સુદાનમાં સત્તા માટે આર્મી અને અર્ધલશ્કરી દળો વચ્ચેની લડાઈમાં આશરે 200 લોકોના મોત થયા હતા અને 1,800 લોકો ઘાયલ થયા હતા. છેલ્લાં ત્રણ દિવસના ગૃહયુદ્ધ પછી સોમવારે હોસ્પિટલોને ભારે નુકસાન થયું તથા તબીબી અને ખોરાકનો પુરવઠોને અસર થઈ હતી. સુદાનની હિંસામાં કેરળના એક વ્યક્તિનું મોત થયું હતું અને ભારતના કર્ણાટકના 30થી વધુ લોકો ફસાયા હોવાનો અહેવાલ છે. ભારતીય દુતાવાસે ભારતીય લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. ખાર્તુમ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું કે મૃતક આલ્બર્ટ ઓગેસ્ટીન સુદાનમાં દાલ ગ્રુપ કંપનીમાં કામ કરતો હતો.
2021ના બળવામાં સત્તા કબજે કરનાર બે જનરલોના દળો વચ્ચે એક અઠવાડિયા સુધી ચાલેલો સત્તાનો સંઘર્ષ શનિવારે જીવલેણ હિંસામાં પરીણમ્યો હતો. સુદાનના આર્મી ચીફ અબ્દેલ ફતાહ અલ-બુરહાન અને તેમના ડેપ્યુટી મોહમ્મદ હમદાન ડગલો વચ્ચેની આ લડાઈ છે. તેઓ શક્તિશાળી અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સીસના વડા છે.
આરએસએફના સમર્થકોએ અમેરિકાના દુતાવાસના કાફલા અને યુરોપિયન યુનિયનના રાજદૂત પર પણ હુમલો કર્યો હતો. અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને મંગળવારે જણાવ્યું કે કાફલાના વાહનો પર અમેરિકાનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેની લાઇસન્સ પ્લેટ પણ એમ્બેસીની હતી. તેમ છતાં તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
RSF અને સેના વચ્ચેની લડાઈમાં સુદાનમાં માત્ર યુએસ કાફલા પર જ નહીં પરંતુ યુરોપિયન યુનિયન એમ્બેસેડર એડન ઓ હારા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હકીકતમાં, કેટલાક RSF લડવૈયાઓ દરવાજા તોડીને ઓ હારાના ઘરમાં પ્રવેશ્યા હતા.
તેમને બંદૂકની અણી પર પકડીને તેમના તમામ પૈસા લૂંટી લીધા હતા. જો કે, હુમલામાં તેને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઓ હારાએ હુમલાખોરોને તેમના યુનિફોર્મ દ્વારા ઓળખી કાઢ્યા હતા.
સુદાનમાં લડી રહેલા બંને જૂથોને અલગ-અલગ દેશોનું સમર્થન છે. આર્મીને ઇજિપ્તનું સમર્થન છે, જ્યારે અર્ધલશ્કરી જૂથને UAE અને સાઉદી અરેબિયા તરફથી મદદ મળી રહી છે. જો કે તમામ દેશોએ બંને પક્ષોને લડાઈ બંધ કરવાની અપીલ કરી છે. સોમવારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે જો આ લડાઈ હવે બંધ નહીં થાય તો તે આખા દેશને બરબાદ કરી શકે છે