સ્ટેફર્ડશાયરના ટેમવર્થમાં કોલશિલ રોડ પર ગુરુવાર 4 મેના રોજ રાત્રે 11.10 વાગ્યે થયેલા એક કાર અકસ્માતમાં 20 વર્ષીય આશાસ્પદ યુવતી ઐશ્વર્યા નગરનું કરૂણ મોત નિપજતાં યુકેમાં વસતા ગુજરાતી પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા.
બ્લેક વક્સોલ કોર્સા કાર ચલાવી રહેલી ઐશ્વર્યા નગરની કાર સફેદ BMW કાર સાથે અથડાતા ઐશ્વર્યા નગરને ગંભીર ઇજાઓ થઇ હતી. દુર્ભાગ્યે, પેરામેડિક્સના પ્રયત્નો છતાં, ઐશ્વર્યાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. તેના પરિવારને આ મુશ્કેલ સમયે વિશેષ તાલિમ પામેલા અધિકારીઓ દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો છે. ઐશ્વર્યા સાથે કોર્સામાં મુસાફરી કરતા 17 વર્ષના એક છોકરાને અને BMW કારમાં મુસાફરી કરતી 30ના દાયકાની મહિલાને હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેઓની હાલત સ્થિર બતાવાય છે. પરંતુ BMW ના ત્રીસેક વર્ષના કાર ડ્રાઈવરની હાલત ગંભીર પરંતુ સ્થિર બતાવાય છે.
શ્રદ્ધાંજલિ આપતાં ઐશ્વર્યાના પરિવારે કહ્યું હતું કે “અમારી સૌથી પ્રિય ઐશ્વર્યા મીરા નાગર, જેને લોકો ઐશી તરીકે ઓળખતા હતા તે તા 4 મેના રોજ અમને છોડીને જતી રહી છે. ઐશી સંજય અને કેના નાગરની પુત્રી હતી અને દિયા તથા કેલન નગરની બહેન હતી. તે આખા પરિવાર માટે કિંમતી હતી.”
ઐશ્વર્યાના પરિવારે આ મુશ્કેલ સમયે ગોપનીયતા રાખવા વિનંતી કરી છે. પોલીસે આ ઘટનાની માહિતી માટે લોકોને અપીલ કરી છે અને ખાસ કરીને કોઈપણ ડેશકેમ અથવા CCTV ફૂટેજ હોય તો પોલીસને આપવા વિનંતી કરી છે. પોલીસે રેફરન્સ નંબર 866 ટાંકીને 101 પર સંપર્ક કરવા અથવા અમારી વેબસાઇટ – www.staffordshire.police.uk પર લાઇવ ચેટનો ઉપયોગ કરવા કે [email protected] પર ઇમેઇલ કરવા વિનંતી કરી છે.
વિવિધ સોસ્યલ મિડીયા પર લોકોને ખૂબ જ પ્રિય એવી ઐશ્વર્યાને શ્રદ્ધાંજલિઓ આપવામાં આવી હતી. આવી જ એક ઑનલાઇન શ્રદ્ધાંજલિમાં તેના કાકા સંદિપ નાગરે કહ્યું હતું કે “મારી સુંદર એન્જલ ભત્રીજી ઐશ્વર્યા નાગરને શ્રદ્ધાંજલિ. હું સમજી શકતો નથી કે તું હવે અહીં નથી, પરંતુ હું જાણું છું કે તું સ્વર્ગ નામની સુંદર જગ્યાએ છું. અમે બધા જે પીડાનો અહિં સામનો કરી રહ્યા છીએ તે ચાલુ જ રહેશે, કેમ કે એક યુવાન, સુંદર, બુદ્ધિશાળી વ્યક્તિને આટલી જલ્દી લઇ જવામાં આવી છે. હું ઐશીને વચન આપું છું, હું તારા પરિવારની મારાથી બને તેટલી સારી રીતે સંભાળ રાખીશ, હું સંપૂર્ણપણે સમજું છું કે તેઓ શેમાંથી પસાર થઇ રહ્યા છે, પરંતુ ખાતરી રાખજે કે હું તેમની સાથે છું. તને ખૂબ જ યાદ કરીશુ અને તને કદી ભૂલીશું નહીં. ”
સંદિપે નાગરે ઐશ્વર્યાએ તેના પરિવારના અન્ય સભ્યોને આપેલી ‘તાકાત’ માટે પણ વખાણ કર્યા હતા.