વિદેશી યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું ભારતીય વિદ્યાર્થીઓમાં મોટું આકર્ષણ જોવા મળ્યું છે. પંજાબ, તેલંગાણા અને મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રમાણમાં વિદેશ જાય છે. જ્યારે હવે ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે જર્મની, કિર્ગીસ્તાન, આયર્લેન્ડ, સિંગાપોર, રશિયા અને ફ્રાન્સની પસંદગી કરી રહ્યા હોવાનું એક રીપોર્ટમાં જણાવાયું છે.
તાજેતરમાં યોજાયેલ ગ્લોબલ એજ્યુકેશન કોન્ક્લેવમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓ અંગે વિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ “2019માં અંદાજે 10.9 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા હતા. 2022માં તેમની સંખ્યા સાત ટકા વધીને 13.24 લાખ થઈ હતી અને જો તેમાં 15 ટકાની વર્તમાન વૃદ્ધિ જળવાશે તો વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 2025 સુધીમાં અંદાજે 20 લાખે પહોંચશે.” રીપોર્ટમાં વધુમાં જણાવાયું હતું કે, “ભારતીય વિદ્યાર્થીઓ પરંપરાગત રીતે વિદેશ અભ્યાસ માટે અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની પસંદગી કરે છે. જોકે, છેલ્લા કેટલાક સમયમાં આ યાદીમાં નવા દેશોનો ઉમેરો થયો છે. જેમાં જર્મની, કિર્ગીસ્તાન, આયર્લેન્ડ, સિંગાપોર, રશિયા અને ફિલિપિન્સનો સમાવેશ થાય છે.”
વિદેશ જતા વિદ્યાર્થીઓમાં પંજાબ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ગુજરાતનું પ્રમાણ સૌથી વધુ છે. આવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યામાં પંજાબનો હિસ્સો ૧૨.૫ ટકા, આંધ્રપ્રદેશ/તેલંગાણાનો હિસ્સો ૧૨.૫ ટકા, મહારાષ્ટ્રનો ૧૨.૫ ટકા અને ગુજરાતનો ૮ ટકા છે. અન્ય રાજ્યોમાં દિલ્હી/NCRના ૮ ટકા, તમિલનાડુના ૮ ટકા, કર્ણાટકના છ ટકા વિદ્યાર્થીઓ પણ આ યાદીમાં સામેલ છે.