અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બાઇડને નવા વહીવટીતંત્રમાં મહત્ત્વના હોદ્દા માટે 20 ઇન્ડિયન અમેરિકનની પસંદગી કરી છે, જે તુલનાત્મક રીતે નાના ભારતીય સમુદાય માટે એક વિક્રમ છે. અમેરિકાની કુલ વસતીમાં ઇન્ડિયન અમેરિકનનું પ્રમાણ માત્ર એક ટકા છે.
બાઇડનને પસંદ કરેલા કુલ 20 ઇન્ડિયન અમેરિકન્સમાંથી ઓછામાં 17 લોકો પાવરફૂલ વ્હાઇટ હાઉસ કોમ્પ્લેક્સનો હિસ્સો બનશે. નીરા ટંડનની ડિરેક્ટર ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ તરીકે વરણી કરવામાં આવી છે. અમેરિકામાં બાઇડન 20 જાન્યુઆરીએ પ્રેસિડન્ટ તરીકે શપથ લેશે.
ભારતીય મૂળના 56 વર્ષીય કમલા હેરિસ વાઇસ પ્રેસિડન્ટ તરીકે શપથ લેશે. સરકારની રચના પહેલા પ્રેસિડેન્શિયલ એડમિનિસ્ટ્રેશનમાં આટલા ઇન્ડિયન અમેરિકન્સની પસંદગી થઈ હોય તેવું પ્રથમ વખત બન્યું છે.
બાઇડનને યુએસ સર્જન જનરલ તરીકે ડો. વિવેક મૂર્તિની પસંદગી કરી છે. એસોસિયેટેડ એટર્ની જનરલ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ તરીકે વનિતા ગુપ્તાની, સિવિલિયન સિક્યોરિટીઝ, ડેમોક્રેસી એન્ડ હ્યુમન રાઇટ્સના અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે ઉઝરા ઝેયાની પસંદગી કરવામાં આવી છે.
નવા ફર્સ્ટ લેડી જિલ બાઇડનના પોલિસી ડિરેક્ટર તરીકે માલા અડિગાની, ફર્સ્ટ લેડીના ડિજિટલ ડિરેક્ટર તરીકે ગરીમા વર્માની, વ્હાઇટ હાઉસ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી તરીકે સબરિના સિંહની પસંદગી કરવામાં આવી છે.
મૂળ કાશ્મીરના ઐશા શાહની પસંદગી વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ ડિજિટલ સ્ટ્રેટેજીના પાર્ટનરશીપ મેનેજર તરીકે તથા વ્હાઉસ હાઉસમાં યુએસ નેશનલ ઇકોનોમિક્સ કાઉન્સિલના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે સમીરા ફઝિલીની પસંદગી કરવામાં આવી છે.
વ્હાઉસ હાઉસ નેશનલ ઇકોનોમિક્સ કાઉન્સિલમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે ભરત રામમૂર્તિની પસંદગી થઈ છે.
અગાઉ ઓબામા સરકાર દરમિયાન વ્હાઇટ હાઉસમાં કામગીરી કરનારા ગૌતમ રાઘવનની પસંદગી પ્રેસિડેન્શિયલ પર્સોનેલ ઓફિસના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે થઈ છે. બાઇડનના આંતરિક વર્તુળમાં તેમના ટોચના વિશ્વાસુ વિનય રેડ્ડી સામેલ છે, જેઓ ડિરેક્ટર સ્પીચરાઇટિગની કામગીરી કરશે.
પ્રેસિડન્ટના આસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરી તરીકે વેદાંત પટેલને નોમિનેટ કરાયા છે. વ્હાઇટ હાઉસની મહત્ત્વની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં ત્રણ ઇન્ડિયન અમેરિકનને નોમિનેટ કરાયા છે, તેથી અમેરિકાની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેની અસર દેખાશે. આ કાઉન્સિલમાં ટેકનોલોજી એન્ડ નેશનલ સિક્યોરિટીઝના સિનિયર ડિરેક્ટર તરીકે તરુણ છાબરા, સિનિયર ડિરેક્ટર ઓફ સાઉથ એશિયા તરીકે સુમોના ગુહા, કોઓર્ડિનેટર ઓફ ડેમોક્રેસી એન્ડ હ્યુમન રાઇટ્સ તરીકે શાંતી કલાથિલની પસંદગી થઈ છે.
વ્હાઇટ હાઉસની ડોમેસ્ટિક ક્લાઇમેટ પોલિસી ઓફિસમાં સિનિયર એડવાઇઝર તરીકે સોનિયા અગ્રવાલ તથા વ્હાઉસ હાઉસ કોવિડ-19 રિસ્પોન્સ ટીમમાં પોલિસી એડવાઇઝર ફોર ટેસ્ટિંગ તરીકે વિદુર શર્માની પસંદગી થઈ છે.
ઓફિસ ઓફ વ્હાઇટ હાઉસ કાઉન્સેલમાં બે ઇન્ડિયન અમેરિકનનની વરણી થઈ છે. જેમાં એસોસિયેટ કાઉન્સેલ તરીકે નેહા ગુપ્તા અને ડેપ્યુટી એસોસિયેટ કાઉન્સેલ તરીકે રીમા શાહનો સમાવેશ થાય છે.