મોરબીની દુર્ઘટનાને પગલે બે નવેમ્બરે ગુજરાતમાં એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે મોરબી દુર્ઘટના અંગે સોમવારે રાત્રે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના શોકમાં આગામી 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. રાજ્યમાં 2 નવેમ્બરે સરકારી ઇમારતો પર રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓની શાંતિ માટે તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે રાજ્યભરમાં નાગરિકો તે દિવસે શાંતિ પ્રાર્થના કરે તેવી નમ્ર અપીલ છે.
મોરબી હોનારતની સમીક્ષા માટે ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ પંકજ કુમાર અને ગૃહ રાજ્ય પ્રઘાન હર્ષ સંઘવી તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારના મોવડીઓ દ્વારા બચાવ કાર્યથી લઇને પુલ તૂટ્યો તે અંગેની વિવિધ ટીમ દ્વારા ટેકનીકલ તપાસ અને પોલીસ પગલાં સહિતની જાણકારી અપાઇ હતી. બેઠકમાં પીએમ મોદીએ બચાવ કાર્ય, ઇજાગ્રસ્તોની સ્થિતિ અને અસરગ્રસ્તોને તમામ પ્રકારની મદદ મળી રહે તે માટે તાકિદ કરી વધુ કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતું.
.