લંડનના મેયર સાદિક ખાન ક્લાયમેટ ચેન્જના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ માટે “ક્લીનેસ્ટ સિવાયના તમામ વાહનો”ના ડ્રાઇવરો પાસેથી £2 સુધીનો “નાનો” દૈનિક ચાર્જ વસૂલ કરવા માંગે છે. લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ, સાયકલ અથવા ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરે કે ચાલવાનું રાખે તે માટે ખાન આમ કરી રહ્યા છે. RAC એ પ્રદુષણ મુક્ત વાહનો “મોટા ભાગના લોકો માટે ખૂબ ખર્ચાળ” હોવાથી આ યોજનાને “ખરાબ સમય”ની ગણાવી હતી.
ખાન લાંબા ગાળા માટે ‘પે પર માઇલ’ સિસ્ટમ લાવવા માંગે છે અને ગ્રેટર લંડનના વર્તમાન ચાર્જિંગ ઝોનને વિસ્તૃત કરીને, ગ્રેટર લંડનમાં મુસાફરી કરવા ઇચ્છતા રાજધાનીની બહારના ડ્રાઇવરો પાસેથી ચાર્જ લેવાનું પણ વિચારી રહ્યા છે. ખાન આ કાર્યવાહી ટાળવા તૈયાર નથી.
સિટી હોલ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલ મુજબ નેટ-ઝીરો મહત્વાકાંક્ષાઓને પહોંચી વળવા 2030 સુધીમાં લંડનના કાર ટ્રાફિકમાં 27 ટકાનો ઘટાડો જરૂરી હતો. ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) અને મેયરે જણાવ્યું હતું કે દરખાસ્તો પર જાહેર પરામર્શ કરવામાં આવશે અને પસંદ કરેલ દરો મે 2024 સુધીમાં સંભવિતપણે અમલમાં આવશે.