GETTY IMAGES

અમેરિકામાં કોરોના વાઇરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા અને તેના કારણે મૃત્યુનો આંકડો તો સતત વધી રહ્યો છે. અગાઉ પ્રાણી સંગ્રહાલયમાં વાઘને કોરોના હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, તેનાથી આગળ વધીને હવે પાળેલી બિલાડીઓ કોરોના વાઇરસનો ભોગ બની હોવાના બે કેસ નોંધાયા છે. આ બંને બિલાડીઓ અમેરિકામાં કોવિડ-19ના મુખ્ય કેન્દ્ર ન્યૂ યોર્કમાં અલગ અલગ વિસ્તારોમાં રહે છે, તેવું કૃષિ વિભાગ અને સેન્ટર ફોર ડિસીઝ કંન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શને એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું.

આ બંને બિલાડીઓમાં શ્વાસની તકલીફ સંબંધી સામાન્ય લક્ષણો હતા અને તેની સંપૂર્ણ સ્વસ્થ થવાની અપેક્ષા છે. અમેરિકામાં પાળેલા પ્રાણીઓમાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ નોંધાયો છે. વિભાગના જણાવ્યા મુજબ એવા કોઈ પુરાવા નથી કે અમેરિકામાં કોરોના વાઇરસ ફેલાવવામાં પાળેલા પ્રાણીઓની ભૂમિકા છે. તેમણે કહ્યું કે બંને બિલાડીઓમાં શ્વાસની તકલીફના લક્ષણો દેખાયા પછી તેમનો ટેસ્ટ કરાયો હતો. એક નિષ્ણાતે પહેલા ઘરની બિલાડીનો ટેસ્ટ કર્યો, પછી તેમાં હળવા લક્ષણો જોવા મળ્યા હતા, પરંતુ તે ઘરમાં કોઈ વ્યક્તિને વાઇરસની અસર હોવાનું સાબિત થયું નથી.

અધિકારીઓએ જણાવ્યું કે બિલાડીને ઘરની બહારના કોઈના દ્વારા ચેપ લાગ્યો હતો. સામાન્ય સંજોગોમાં અથવા કોઈ લક્ષણો વગર ઘરની કોઈ વ્યક્તિ વાઇરસનો ચેપ લગાવી શકે છે. બીજી બિલાડીનો ટેસ્ટ ન્યૂયોર્કના જુદા જુદા વિસ્તારમાં પણ કરાયો હતો. કારણ કે તેનામાં પણ શ્વાસના રોગના સંકેતો જોવા મળ્યા હતા. બિલાડી બિમાર પડે તે પહેલાં તેના માલિકે કોવિડ-19 માટે ટેસ્ટ કરાવ્યો હતો. પરંતુ બીજી બિલાડીમાં વાઇરસના કોઈ ચિહ્નો જોવા નથી મળ્યા.

સીડીસીની સલાહ છે કે, બિલાડીઓને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રાખવી જોઈએ, અન્ય લોકો અને પ્રાણીઓથી ઓછામાં ઓછા છ ફૂટનું અંતર જાળવવું જોઈએ. મોટી સંખ્યામાં લોકો અને પ્રાણીઓ એકત્ર થતાં હોય તેવા જાહેર સ્થળોએ પણ અન્ય પાળેલા પ્રાણીઓને લઇ જવા નહીં. ન્યૂયોર્ક સ્ટેટમાં કોરોનાને કારણે 15 હજારથી વધુ લોકોના મોત થયા છે.