આ વર્ષના પ્રતિષ્ઠિત રોયલ ફિલહાર્મોનિક સોસાયટી (RPS) એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવેલા 19 કલાકારો અને સંગીતકારોમાં બે બ્રિટિશ ઇન્ડિયન સંગીતજ્ઞોનો પણ સમાવેશ થાય છે. ધ સંડે ટાઇમ્સના જણાવ્યા મુજબ, બર્મિંગહામ ઓપેરા કંપનીના મ્યુઝિક ડાયરેક્ટર અલ્પેશ ચૌહાણને કંડકટર કેટેગરીમાં અને સિતારવાદક જસદીપ સિંઘ દેગુનને વાદ્યકાર અને લાર્જ સ્કેલ કંપોજિશન એવોર્ડની કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.
સોસાયટી દ્વારા એક પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે, શોર્ટલિસ્ટ કરવામાં આવેલા 19 કલાકારો અને સંગીતકારોમાંથી 42 ટકા લોકો વૈશ્વિક બહુમત ધરાવે છે.
તેમાં સેલિસ્ટ અયાના વિટર-જ્હોન્સન, અલ્પેશ ચૌહાણ અને જસદીપ સિંઘનો સમાવેશ થાય છે. આ RPS એવોર્ડ એનાયત કરવાનો સમારંભ 5 માર્ચના રોજ માન્ચેસ્ટરની રોયલ નોર્ધન કોલેજ ઓફ મ્યુઝિકમાં યોજાશે અને તેની ટિકિટની કિંમત 10થી 25 પાઉન્ડ વચ્ચે હશે. આ એવોર્ડ સમગ્ર યુકેમાં સંગીતપ્રેમીઓ અને સમુદાયોની સેવા કરનારા અને પ્રેરણા આપનારા સંગીતકારો તેમ જ પહેલને ઓળખ આપે છે. RPS કલાકારોને મદદ કરતી એક નોંધાયેલી ચેરિટી સંસ્થા છે. 2024ના એવોર્ડ્સ માટે 12 કેટેગરીમાં 30થી વધુ કલાકારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.