વિધાનસભા ખાતે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા પ્રધાન રાઘવજીભાઈ પટેલ જણાવ્યું છે, કે રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૧૮૯ ગુજરાતી ચલચિત્રોને રૂ. ૪૭ કરોડની આર્થિક સહાય ચૂકવાઇ છે. ચાલુ વર્ષે ૪૩ ફિલ્મોને ટૂંક સમયમાં સહાય ચૂકવવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા માટે વર્ષ ૨૦૧૬થી આ સહાય આપવાની નીતિ કાર્યરત છે અને વર્ષ ૨૦૧૯માં તેને ઉદાર કરીને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ નીતિ અન્વયે ચલચિત્રોને ગ્રેડ અનુસાર સહાય અપાય છે. જેમાં A+ ગ્રેડ માટે રૂપિયા ૭૫ લાખ A ગ્રેડ માટે રૂ. ૫૦ લાખ, B ગ્રેડ માટે રૂ. ૪૦ લાખ, C ગ્રેડ માટે રૂ. ૩૦ લાખ, D ગ્રેડ માટે રૂપિયા ૨૦ લાખ, E ગ્રેડ માટે ૧૦ લાખ અને F ગ્રેડ કક્ષાની ફિલ્મને રૂ. ૫ લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
ગુજરાતી ચલચિત્રોની પસંદગી માટેની તજજ્ઞ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં નિષ્ણાંતો, ખ્યાતનામ નામ દિગ્દર્શકો, ખ્યાતનામ કલાકારો અને ખ્યાતનામ લેખકોનો સમાવેશ કરી પેનલ તૈયાર કરી છે, તેમાંથી જરૂરિયાત અનુસારના સભ્યોની કમિટીની રચના કરવામાં આવે છે. જેમાં મોટાભાગના સભ્યો ગુજરાતી જ છે. આ કમિટી દ્વારા જે ગુજરાતી ફિલ્મોની સહાય માટે અરજીઓ આવે છે. તે તમામ ફિલ્મોનું સ્ક્રિનિંગ કરીને ગુણ આપવામાં આવે છે. જેના આધારે ગ્રેડ નક્કી કરીને સહાય આપવામાં આવે છે.