ભારત સાથે રૂપિયામાં નાણાકીય વ્યવહાર કરવા 18 દેશોએ સહમતી દર્શાવી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા પણ અન્ય દેશો સાથે રૂપિયામાં નાણાકીય વ્યવહાર સરળ બનાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 18 દેશોના 60 સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ (SRVA) ખોલવામાં આવ્યા છે, જેમાં રશિયા અને શ્રીલંકા જેવા દેશોના નામ સામેલ છે. આ અંગે ભારત સરકારના નાણા રાજ્ય પ્રધાન ભગવત કરાડે સંસદ જણાવ્યું હતું કે, RBIએ સ્થાનિક અને વિદેશી બેંકોમાં રૂપિયામાં નાણાકીય વ્યવહાર કરવા માટે 18 દેશોના 60 સ્પેશિયલ રૂપિયા વોસ્ટ્રો એકાઉન્ટ્સ ખોલવાની મંજૂરી આપી છે. તેમાંથી રશિયા સ્થાનિક ચલણમાં વેપાર કરવા માટે કટિબદ્ધ છે. ભારત હંમેશા રૂપિયામાં નિકાસને સમર્થન આપતું રહ્યું છે. જે દેશોએ SRVA ખોલાવ્યું છે તેમાં રશિયા, સિંગાપોર, શ્રીલંકા, બોટ્સાવાના, ફિજી, જર્મની, ગુયાના, ઇઝરાયેલ, કેન્યા, મલેશિયા, મોરેશિયસ, મ્યાનમાર, ન્યૂઝીલેન્ડ, ઓમાન, સેશેલ્સ, ટાન્ઝાનિયા, યુગાન્ડા અને બ્રિટનનો સમાવેશ થાય છે.

રૂપિયામાં વિદેશ સાથે બિઝનેસ કરવાથી ડોલર જેવા વિદેશી ચલણ પર ભારતની નિર્ભરતા ઘટશે. આ સાથે અચાનક વૈશ્વિક કટોકટીની અસર પણ ભારતના અર્થતંત્ર પર ઓછી પડશે. આ ઉપરાંત ભારતીય બેંકોને ઇન્ટરનેશનલ ક્ષેત્રે મોટા બજારોમાં બિઝનેસ કરવાનો મોકો મળશે.

LEAVE A REPLY