અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જારી કરેલા એચ-1બી વીઝા અંગેના જાહેરનામાને પડકારતો એક કેસ 174 ભારતીયોએ કોલમ્બિયાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કર્યો છે. આ આદેશ અનુસાર અરજદારોને વીઝા મળી ગયા હોવા છતાં તેઓ અમેરિકામાં પ્રવેશી શકે નહીં અથવા તો તેમને વીઝા ઈસ્યુ કરાશે જ નહીં તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. મંગળવારે દાખલ કરાયેલા આ કેસના અરજદારોમાં ચાર સગીર વયના લોકોનો પણ સમાવેશ થાય છે.
જજ કેતાનજી બ્રાઉન જેક્સને બુધવારે વિદેશ પ્રધાન માઈક પોમ્પીઓ, હોમલેન્ડ સીક્યોરીટી વિભાગના કાર્યકારી સેક્રેટરી ચાડ એફ. વૂલ્ફ તથા લેબર સેક્રેટરી યુજીન સ્કાલીઆને આ કેસના સંદર્ભમાં જ સમન્સ પાઠવ્યા હતા.
એચ-1બી/એચ-4 વીઝા અંગેનું 10052 નંબરનું જાહેરનામુ અમેરિકાના અર્થતંત્રને નુકશાન કરે છે, તે પરિવારોને છુટા પાડી દે છે અને કોંગ્રેસનો પણ અનાદર કરે છે. આમાંથી પહેલા બે મુદ્દા જાહેરનામાને અયોગ્ય બનાવે છે, તો ત્રીજો મુદ્દો તેને ગેરકાયદે બનાવે છે, એમ 174 ભારતીયો વતી લોયર વાસ્ડેન બાનીઆસે દાખલ કરેલા કેસમાં દાવો કરાયો છે.
આ કેસમાં અરજદારોએ કોર્ટને એવી વિનંતી કરી છે કે, નવા એચ-1બી અથવા તો એચ-4 વીઝા જારી કરવા સામેના નિયંત્રણો અથવા તો આવા વીઝા ધરાવતા લોકોને અમેરિકામાં પ્રવેશ નહીં આપવાના નિયંત્રણો અંગેનું આ પ્રેસિડેન્શિયલ પ્રોક્લામેશન ગેરકાયદે જાહેર કરાય. તેમાં કોર્ટ સમક્ષ એવી પણ અરજ કરાઈ છે કે, એચ-1બી તથા એચ-4 વીઝા અંગેની નિકાલ માટેની પડતર અરજીઓ ઉપર વિદેશ ખાતાને નિર્ણય લેવાની પણ કોર્ટે ફરજ પાડવી જોઈએ.
પ્રેસિડેન્ટ ટ્રમ્પે 22મી જુનના રોજ જાહેરનામુ બહાર પાડી આ વર્ષના અંત સુધી એચ-1બી વીઝા ઈસ્યુ કરવાનું બંધ કરવાનું ફરમાવ્યું હતું. આ જાહેરનામામાં નવા ગ્રીન કાર્ડ ઈસ્યુ કરવાનું સ્થગિત કરવાની મુદત પણ આ વર્ષના અંત સુધી લંબાવાઈ હતી.
આ કેસમાં એ હકીકત તરફ નિર્દેશ કરાયો હતો કે, એચ-1બી વીઝા ધારકો અમેરિકામાં જે નિયમો અનુસાર કામ કરી શકે તે નિયમો અમેરિકી કોંગ્રેસે સ્પષ્ટ રીતે નિર્દિષ્ટ કરેલા છે અને તે નિયમો મુજબ અમેરિકન કર્મચારીઓ તેમજ નોકરીદાતાઓના હિતોનું પણ સંતુલન સાધવામાં આવ્યું છે.
અનેક સાંસદોએ પણ લેબર સેક્રેટરી સ્કાલીઆને વિનંતી કરી હતી કે, તેઓ વર્ક વીઝા ઉપરના આ પ્રતિબંધો રદ કરે. કોંગ્રેસના સભ્યોએ એક પત્રમાં એવું પણ જણાવ્યું હતું કે, આ પ્રતિબંધો તો કોરોનાવાઈરસના રોગચાળા સામેની ટ્રમ્પ સરકારની નીતિની નિષ્ફળતા બદલ ઈમિગ્રાન્ટ્સને બલિના બકરા બનાવવાના પ્રયાસો જ છે.