નાદારીથી બચવા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) પાસેથી લોન મેળવવા માટે પાકિસ્તાન સરકારે રૂ.170 બિલિયનના ટેક્સની દરખાસ્ત કરી છે. સરકારે સંસદમાં મની બિલ રજૂ કરીને આ વર્ષના જૂન સુધીમાં ટેક્સ મારફત આ રકમ એકત્ર કરવાની દરખાસ્ત કરી છે.
નાણાપ્રધાન ઈશાક ડારે સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં ફાઇનાન્સ (પૂરક) બિલ, 2023 રજૂ કર્યું હતું. પાકિસ્તાન અને IMFના અધિકારીઓએ ઈસ્લામાબાદમાં 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી 10 દિવસની મેરેથોન વાટાઘાટો કરી હતી, પરંતુ કોઈ સમજૂતી સુધી પહોંચી શક્યા નહોતા કારણ કે આઇએમએફએ 7 બિલિયન યુએસ ડોલરના પેકેજમાંથી 1.1 બિલિયન ડોલર છૂટા કરતા પહેલા અગાઉથી પગલાં લેવાની માંગ કરી હતી. આઇએમએફ અને પાકિસ્તાન વચ્ચે 2019માં 7 બિલિયન ડોલરની લોન સમજૂતી થઈ હતી, પરંતુ નક્કર પગલાંને અભાવે આઇએમએફએ લોન અટકાવી દીધી હતી.
બિલ રજૂ કર્યા પછી ગૃહમાં બોલતા ડારે કહ્યું કે સરકાર સામાન્ય લોકોની મુશ્કેલીઓથી વાકેફ છે અને નવા કર દ્વારા તેમના પર વધુ બોજ ન નાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. તેમણે ઈમરાન ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ની અગાઉની સરકાર પર રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમે સરકારમાં હતા ત્યારે પાકિસ્તાનની ઇકોનોમી વિશ્વમાં 24મું સૌથી મોટું હતું, પરંતુ હવે તે ઘટીને 47માં સ્થાને આવી ગયું છે.
પ્રેસિડન્ટ આરિફ અલ્વીએ મંગળવારે નવા ટેક્સ માટે વટહુકમ બહાર પાડવાનો ઇનકાર કર્યા હતો. તેથી નાણાપ્રધાને સંસદમાં ફાઇનાન્સ બિલ રજૂ કરવાની ફરજ પડી હતી. પ્રેસિડન્ટના “ઈનકાર” પછી કેબિનેટની બેઠક મળી હતી અને ચર્ચા પછી સાંજે બિલને મંજૂરી આપી હતી. કેબિનેટે સંસદના ઇમર્જન્સી સેશન યોજ્યું હતું.
ફેડરલ બોર્ડ ઓફ રિવન્યૂએ કેબિનેટની બેઠક બાદ સ્થાનિક સિગરેટ અને ટોબેકો પ્રોડક્ટ્સ પર એક્સાઇઝ ડ્યૂટીમાં વધારાનો આદેશ જારી કર્યો હતો. તેનાથી આશરે 60 બિલિયન ડોલર ઊભી કરી શકાશે. જનરલ સેલ્સ ટેક્સને એક ટકા વધારીને 18 ટકા કરાયો છે. આ ઉપરાંત એરલાઇન ટિકિટ અને સુગરી ડ્રિન્કની એક્સાઇઝમાં વધારો કરાયો છે.