કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં હાઇસ્કૂલના એક શીખ વિદ્યાર્થી પર તિરસ્કાર રાખીને હુમલો કરવાની ઘટના નોંધાઇ છે. મીડિયા રીપોર્ટમાં જણાવ્યા મુજબ એક અન્ય કિશોર સાથે વિવાદના કારણે શીખ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. સીટીવી ન્યૂઝના રીપોર્ટ મુજબ, આ ઘટના ગત સોમવારે કેલોવ્નામાં રટલેન્ડ રોડ સાઉથ અને રોબસન રોડ ઇસ્ટના ચાર રસ્તા પર ઘટી હતી, જ્યાં આ શીખ વિદ્યાર્થી પર કથિત લાત અને મુક્કો મારવામાં આવ્યો હતો અને તેના પર મરચું છાંટવામાં આવ્યું હતું.
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યારે આ શીખ વિદ્યાર્થી ઘરે જવા માટે પબ્લિક બસમાંથી ઉતરી રહ્યો હતો ત્યારે તેના પર હુમલો થયો હતો. જોકે, પોલીસે આ ઘટનાની વધુ વિગતો આપી નહોતી. કેનેડાના વર્લ્ડ શીખ ઓર્ગેનાઇઝેશને આરોપ મુક્યો હતો કે, વાહનમાં પણ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. બ્રિટિશ કોલંબિયામાં ઓર્ગેનાઇઝેશનનાં વાઇસ પ્રેસિડેન્ટ ગુંતાસ કૌરના જણાવ્યા પ્રમાણે આ વિદ્યાર્થી પરનો હુમલો ચિંતાજનક અને અસ્વીકાર્ય છે. આ વર્ષે અગાઉ પણ જાહેર વાહનમાં અન્ય શીખ યુવાન પર આવો હુમલો થયો હતો. બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં આ વર્ષે માર્ચ મહિનામાં 21 વર્ષીય ઇન્ડિયન શીખ વિદ્યાર્થી ગગનદીપ સિંઘ પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો.