વડાપ્રધાન બોરિસ જ્હોન્સન સંરક્ષણ ખર્ચમાં ચાર વર્ષના ગાળામાં £16 બિલીયનનો વધારો કરવા સંમત થયા છે. સંરક્ષણ ખર્ચમાં થનારો આ વધારો સાયબર ડીફેન્સ, સ્પેસ કમાન્ડ તેમજ વધુ પરંપરાગત સૈન્ય તકનીક માટે કરવામાં આવશે.
રોગચાળાના કારણે બ્રિટનનું પબ્લિક ફાઇનાન્સ ખેંચાઇ રહ્યું છે અને વિદેશી સહાય બજેટમાંથી બિલીયન પાઉન્ડની કપાત કરવામાં આવી રહી છે ત્યારે માર્ગારેટ થેચરની પ્રીમિયરશિપ પછીનો આ સૌથી મોટો વધારો છે. આ રકમ નેશનલ સાયબર ફોર્સ હેકર્સ અને ફરતા ઉપગ્રહોના રક્ષણ માટે બનાવવામાં આવેલા એક નવા સ્પેસ કમાન્ડ પર ખર્ચવામાં આવશે અને તે પોતાના રોકેટ લોન્ચ કરશે. વડા પ્રધાન યુએસના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડનને એમ બતાવવા પણ ઉત્સુક છે કે બ્રેક્ઝિટ પછી યુકે મજબૂત સૈન્ય ક્ષમતા ધરાવે છે.
એવી અટકળો ચાલી રહી હતી કે એમઓડીએ આશરે £20 બિલીયનના વધારાની આશા રાખી હતી.