બ્રિટિશ પોલીસ વર્ચ્યુઅલ રિયાલિટી ગેમમાં 16 વર્ષની યુવતીના અવતાર અને ડિજિટલ પાત્ર પર કથિક ગેંગ રેપના એક કેસની તપાસ કરી રહી છે. મેટાવર્સ સંબંધિત આ પ્રકારનો પ્રથમ કેસ છે, એમ ન્યૂ યોર્કે પોસ્ટે જણાવ્યું હતું. બ્રિટિશ અખબાર ડેઈલી મેઈલના અહેવાલ અનુસાર બ્રિટિશ પોલીસ એવા કેસની તપાસ કરી રહી છે, જેમાં મેટાવર્સ ગેમમાં એક યુવતીના વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) અવતાર સાથે કથિત રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હતો.
16 વર્ષની છોકરી એક ઇમર્સિવ ગેમમાં વર્ચ્યુઅલ રિયાલિટી (VR) હેડસેટનો ઉપયોગ કરી રહી હતી ત્યારે તેના અવતાર પર કથિત રૂપે બહુવિધ પુરુષોનું પ્રતિનિધિત્વ કરતા અવતાર દ્વારા વર્ચ્યુઅલ રીતે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યું હતું કે પીડિત યુવતીને કોઇ શારીરિક નુકસાન થયું નથી, પરંતુ તેના પર ઊંડી ભાવનાત્મક અને માનસિક અસર પડી હતી. તપાસ એજન્સીએ આ બાબતને ગંભીરતાથી લીધી છે અને કેસની ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે.
બ્રિટનના ગૃહ પ્રધાન જેમ્સ ક્લેવરલીએ આ તપાસને યોગ્ય ગણાવીને પીડિત છોકરીના માનસિક આઘાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને આવા વર્ચ્યુઅલ ક્રાઇમને ગંભીરતાથી લેવાની તાકીદ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ ઘટનાને વાસ્તવિક ન હોવાનું કહીને તેને નકારી કાઢવાનું ખૂબ જ સરળ છે, પરંતુ મુખ્ય બાબત એ છે કે આવા વર્ચ્યુઅલ વાતાવરણમાં આવા કૃત્યોમાં વધારો થઈ શકે છે, તેથી આ મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂર છે. અહીં આપણે એક છોકરીની વાત કરી રહ્યા છીએ. એક બાળક જે જાતીય આઘાતમાંથી પસાર થયું છે. તેના પર તેની નોંધપાત્ર અને ઊંડી મનોવૈજ્ઞાનિક અસર પડી છે, તેથી આપણે આવા કેસોને નકારી કાઢતા પહેલા બહુ જ સાવધાની રાખવી જોઇએ.