ઉત્તર સિક્કિમના ઝેમા ખાતે એક લશ્કરી ટ્રક ખીણમાં ગબડી પડતા ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર્સ (JCOs) સહિત 16 સૈનિકોના મોત થયા હતા. ટ્રક તીવ્ર વળાંક પરથી આગળ વધી રહી હતી ત્યારે આ દુઃખદ ઘટના બની હતી. ઘાયલ થયેલા ચાર સૈનિકોને એર લિફ્ટ કરાયા હતા.
આર્મીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઉત્તર સિક્કિમના ઝેમા ખાતે 23 ડિસેમ્બરે આર્મી ટ્રક સાથે થયેલા એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં 16 બહાદુર સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાના જવાનોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. મોદીને ટાંકીને પીએમઓએ ટ્વીટ કર્યું હતું કે “સિક્કિમમાં એક માર્ગ દુર્ઘટનામાં આપણા બહાદુર સૈનિકોના જીવ ગુમાવવાથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના.”
આર્મીએ જણાવ્યું હતું કે આ ટ્રક ત્રણ વાહનોના કાફલાનો એક ભાગ હતો જે સવારે ચટ્ટેનથી થંગુ તરફ આગળ વધ્યો હતો. ઝેમા ખાતેના રોડ પર એક તીવ્ર વળાંક પર વ્હિકલ એકદમ ઢોળાવ પરથી નીચે સરકી ગયું હતું. એક બચાવ મિશન તરત જ શરૂ કરવામાં આવ્યું હતું, અને ચાર ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરાયા હતા. દુર્ભાગ્યવશ ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા મૃત્યુ પામ્યા હતા. દુઃખની આ ઘડીમાં ભારતીય સેના પીડિત પરિવારો સાથે છે.
આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે “રાષ્ટ્ર તેમની સેવા અને પ્રતિબદ્ધતા માટે ખૂબ આભારી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના. એક ટ્વિટમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડેએ બહાદુરો સૈનિકોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી.