કુવૈત અને ઈન્ડોનેશિયામાં ચાલી રહેલી પેરિસ ઓલિમ્પિક્સ માટેની એશિયન ક્વોલિફાયર્સ શુટીંગ સ્પર્ધાઓમાં રવિવાર સુધીમાં ભારતના રેકોર્ડ 16 ખેલાડીઓ ક્વોલિફાઈ થઈ ગયા હતા.
20 વર્ષની રીધમ સાંગ્વાને 25 મીટરની એર પિસ્ટલમાં બ્રોંઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. એશિયન ગેમ્સમાં તે આ જ ઈવેન્ટની ટીમ કેટેગરીમાં ગોલ્ડ મેડલ વિજેતા ટીમમાં સામેલ હતી. રીધમ ટોક્યો ઓલિમ્પિક્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. તે અગાઉ 10 મીટર એર પિસ્ટલમાં પણ બ્રોંઝ મેડલ પ્રાપ્ત કરી ચૂકી છે.
તેના ઉપરાંત ઈશા સિંહ અને વરૂણ તોમર પણ 10 મીટર એર પિસ્ટલમાં ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે. ઈશા સિંહે તે ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના શૂટર્સે 16, એથ્લેટ્સે 9, મુક્કાબાજોએ 4, કુસ્તીબાજો અને તિરંદાજોએ એક-એક તથા હોકીની ટીમ ઈવેન્ટમાં એકે ક્વોલિફિકેશન મેળવ્યા છે.