વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સોમવારે જણાવ્યું હતું કે, 2022માં હીટવેવને કારણે યુરોપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 15,000 લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં સ્પેન અને જર્મની સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં સામેલ છે.
જૂન-ઓગસ્ટ સુધીના ત્રણ મહિના યુરોપમાં અત્યાર સુધીના સૌથી ગરમ રહ્યા હતા અને ઊંચા તાપમાનને કારણે આ ખંડમાં મધ્ય યુગ પછીનો સૌથી ખરાબ દુષ્કાળ પડ્યો હતો.
ડબ્લ્યુએચઓના યુરોપ માટેના રિજનલ ડાયરેક્ટર હાંસ ક્લુજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં સબમિટ કરવામાં આવેલા દેશના ડેટાના આધારે એવો અંદાજ છે કે 2022માં ગરમીને કારણે ઓછામાં ઓછા 15,000 લોકો મૃત્યુ પામ્યા હતા.” તેમણે ઉમેર્યું હતું કે “ઉનાળાના 3 મહિના દરમિયાન આરોગ્ય સત્તાવાળાઓ દ્વારા સ્પેનમાં લગભગ 4,000, પોર્ટુગલમાં 1,000થી વધુ, યુનાઇટેડ કિંગડમમાં 3,200થી વધુ અને જર્મનીમાં આશરે 4,500 મૃત્યુ નોંધાયા હતા.”
યુરોપમાં તાપમાન 1961-2021ના સમયગાળા દરમિયાન લગભગ 0.5 °C પ્રતિ દાયકાના સરેરાશ દરે નોંધપાત્ર રીતે ઘણું ગરમ થઈ ગયું છે. વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએમઓ)ના રીપોર્ટ મુજબ તે સૌથી ઝડપી વોર્મિંગ ક્ષેત્ર છે. છેલ્લા 50 વર્ષોમાં યુરોપિયન પ્રદેશમાં ભારે તાપમાનને કારણે 1,48,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પછી 1 વર્ષમાં 15,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. વર્ષ 2021માં હવામાન અને આબોહવાની ઘટનાઓને કારણે સેંકડો લોકો મૃત્યુ પામ્યા અને અડધા મિલિયનથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. આ ઘટનાઓમાંથી લગભગ 84 ટકા પૂર અથવા વાવાઝોડા હતા. ક્લુઝે કહ્યું કે, વૈશ્વિક સરેરાશ તાપમાનમાં 1.1 ° સેના વધારા સાથે અમારા પ્રદેશના લોકોના સ્વાસ્થ્યને અસર થઈ છે.