કેનેડાના મેનિટોબા પ્રાંતમાં ગુરુવારે સેમી-ટ્રેલર ટ્રક અને વરિષ્ઠો નાગરિકોને લઈ જતી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા અને 10 વધુ ઘાયલ થયાં હતાં. આ અકસ્માત વિનેપેગના ઉત્તરમાં આવેલા કાર્બેરી શહેર નજીક થયો હતો.
કેનેડિયન માઉન્ટેડ પોલીસના ઓફિસર રોબ હિલે જણાવ્યું હતું કે હું અત્યારે જે વાતની પુષ્ટિ કરી શકું છું તે એ છે કે આશરે 25 લોકોને લઈ જતી બસ હાઈવે વન અને હાઈવે ફાઈવના ક્રોસ પર સેમી બસ સાથે અથડાઈ હતી. મિનિબસમાં મોટાભાગના લોકો વૃદ્ધ હતા. કાર્બેરી શહેરની ઉત્તરે ટ્રાન્સ-કેનેડા હાઇવે પર આ અકસ્માત થયો હતો. અકસ્માત સ્થળની નજીક એક હોટેલમાં કામ કરતા નિર્મેશ વાડેરાના જણાવ્યા મુજબ અનેક ઇમરજન્સી વાહનો અને બે હેલિકોપ્ટર દુર્ઘટના સ્થળે પહોંચ્યાં હતા.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમના સત્તાવાર ટ્વિટર ફીડ પર જણાવ્યું હતું કે કાર્બેરીના સમાચાર ખૂબ દુ:ખદ છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ પ્રિયજનોને ગુમાવનારા લોકો માટે તેમની “ઊંડી સંવેદના” મોકલી રહ્યા છે.