દેશના 15 રાજ્યોની 48 વિધાનસભા બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં 26 બેઠકો પર ભાજપ અને તેના સાથી પક્ષો (એનડીએ)નો વિજય થયો હતો, જે નવ બેઠકોનો ફાયદો દર્શાવે છે. બીજી તરફ કોંગ્રેસનો સાત બેઠકો પર વિજય થયો હતો, જે છ બેઠકોનું નુકસાન છે. ઉત્તરપ્રદેશની યુપીની 9માંથી 7, રાજસ્થાનની 7માંથી 5, બિહારની તમામ 4 બેઠકો જીતી, ગુજરાતની એક બેઠક ભાજપની આગેવાની હેઠળના એનડીએના ખાતામાં આવી હતી.
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને છ, આમ આદમી પાર્ટીને ત્રણ અને સમાજવાદી પાર્ટીને બે બેઠકો મળી હતી. કેરળમાં એલડીએફ અને રાજસ્થાનમાં બીએપીને એક-એક બેઠક મળી હતી. આ સિવાય સિક્કિમની બે બેઠકો સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)ના ઉમેદવારોએ બિનહરીફ જીતી હતી.
23 નવેમ્બરે જાહેર થયેલા પેટાચૂંટણીના પરિમાણમાં મોટાભાગે સત્તારૂઢ પક્ષો હાવી રહ્યાં હતા. ઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં ભાજપ અને તેના સાથી પક્ષો બેઠકો જીતી હતી, જ્યારે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનો ક્લિન સ્વીપ કરી હતી. બે લોકસભા બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી સીપીઆઈ (એમ)ના નેતૃત્વ હેઠળના એલડીએફના સત્યન મોકેરી સામે 4.1 લાખથી વધુ મતોના માર્જિન સાથે તેમની પ્રથમ ચૂંટણી જીતી હતી, પરંતુ મહારાષ્ટ્રના નાંદેડ લોકસભા બેઠક પર કોંગ્રેસનો ભાજપ સામે પરાજય થયો હતો.
ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ઉલટફેર પછી સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળના ગઠબંધને નવમાંથી સાત બેઠકો જીતી હતી. યુપીની પેટાચૂંટણીનું પણ વિશેષ મહત્ત્વ હતું, કારણ કે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અગ્નિપરીક્ષામાં પાસ થયા છે. ભાજપે ચાર બેઠકો ગાઝિયાબાદ, ખેર, માઝવાન અને ફુલપુર જાળવી રાખી હતી અને સપા પાસેથી કટહરી અને કુંડારકી બેઠકો છીનવી લીધી હતી. ભાજપના સાથી પક્ષ આરએલડીએ એક બેઠક જાળવી રાખી. આમાંથી ચાર બેઠકો ધરાવતી સમાજવાદી પાર્ટીએ સિશામઉ અને કરહાલ બેઠક જાળવી રાખી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ચૂંટણીના રિઝલ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ અને માર્ગદર્શનમાં લોકોની અતૂટ શ્રદ્ધાનો પુરાવો છે.
રાજસ્થાનમાં સાતમાંથી પાંચ બેઠકો સત્તારૂઢ ભાજપે જીતી હતી, જેમાં કોંગ્રેસ પાસેથી ત્રણ અને આરએલપી પાસેથી એક બેઠક આંચકી લીધી હતી. રાજ્યમાં ભારત આદિવાસી પાર્ટી (BAP) અને કોંગ્રેસે એક-એક બેઠક જાળવી રાખી હતી.
પંજાબની ચારમાંથી ત્રણ બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી હતી અને એક પર કોંગ્રેસનો વિજય થયો હતો. પંજાબમાં શાસક AAPએ કોંગ્રેસ પાસેથી ગિદ્દરબાહ, ડેરા બાબા નાનક અને ચબ્બેવાલ વિધાનસભા બેઠકો છીનવી લીધી હતી, બીજી તરફ કોંગ્રેસ AAPની બરનાલા બેઠક આંચકી લીધી હતી.
બિહારમાં શાસક એનડીએએ તમામ ચાર વિધાનસભા બેઠકો પર વિજય થયો હતો. ઇમામગંજ બેઠક એચએએમ જાળવી રાખી હતી. બીજી તરફ તરારી (બીજેપી), રામગઢ (ભાજપ) અને બેલાગંજ (જેડી-યુ) બેઠકો ઇન્ડિયા બ્લોક પાસેથી છીનવી લીધી હતી. રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા આ પરિણામોથી એનડીએને વેગ મળ્યો હતો.
ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં વિપક્ષને હરાવીને પાંચ બેઠકો જાળવી રાખી હતી અને મદારીહાટ બેઠક ભાજપ પાસેથી છીનવી લીધી હતી. આર જી કર હોસ્પિટલમાં મહિલા ડોક્ટરના રેપ અને હત્યા પછીના વિરોધ પ્રદર્શનો વચ્ચે ટીએમસીએ રાજ્યમાં તેનું વર્ચસ્વ વધુ મજબૂત બનાવ્યું હતું.