ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઈનલમાં બાયર્ન મ્યુનિક સામે પેરિસ સેન્ટ જર્મેઇન (PSG) હારી જતાં તેના ચાહકોએ પેરિસમાં અનેક કાર્સને આગ લગાડી હતી અને પોલીસ સાથે લોકો ઘર્ષણમાં ઉતર્યા હતા. પોલીસે આ ઘટનામાં 140થી વધુ લોકોની ધરપકડ કરી હતી. PSGના પરાજયથી પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં પણ ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
કોરોનાને કારણે ભલે મેચ દર્શકો વગર રમાઇ હતી પરંતુ બહાર તો સોશિયલ ડિસ્ટન્સિંગનો સરેઆમ ભંગ થતો દેખાતો હતો. પેરિસની જાણીતી અને ભીડભાડવાળી જગ્યાઓમાંથી એક ચેમ્પ્સ એલિસની એક ક્લબ પાસે લોકોએ માસ્ક નહીં પહેર્યા હોવાથી પોલીસે બળ પ્રયોગ કરીને ભીડને ભગાડી હતી. પેરિસના પશ્ચિમ વિસ્તારમાં નિરાશ ફૂટબોલ ચાહકોને નિયંત્રણમાં લેવામાં પોલીસને મુશ્કેલી પડી હતી અને કેટલીક જગ્યાએ ભીડને ભગાડવા માટે ટીયર ગેસ છોડવો પડ્યો હતો.
મોટા સ્ક્રીન પર નેમાર, કિલિયન, એમ્બાપ્પ, થિયાગો સિલ્વા જેવા ખેલાડીઓને નિષ્ફળ જતા જોઇને ચાહકો ભડક્યા હતા. સરકારે ચેમ્પ્સ એલિસમાં ત્રણ હજાર પોલીસ કર્મચારીઓની નિમણૂક કરી હતી. બે હજારથી વધુ માસ્કનું વિતરણ કર્યું હતું. સબ-વે ટ્રેન સાંજથી જ બંધ કરાઈ હતી. આટલી સુરક્ષા છતાં હારથી ભડકેલા ચાહકોએ અનેક કાર્સને આગ લગાડી હતી, કારણ કે, પ્રથમવાર 1974માં ચેમ્પિયન બનેલી આ ફ્રેંચ ક્લબ આ વખતે જર્મન ક્લબ બાયર્ન મ્યુનિકને હરાવી શકી નહોતી.