તુર્કી અને સીરિયામાં સોમવાર વહેલી સવારે સદીના સૌથી શક્તિશાળી ભૂકંપથી ઓછામાં ઓછા 2,300 લોકોના મોત થયા હતો. 7.8ની તીવ્રતાના ભયાનક ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી થઈ હોવાથી અને વ્યાપક તબાહીને કારણે મોતના આંકડામાં વધારો થવાની શક્યતા છે. ભૂકંપના આંચકા ગ્રીનલેન્ડ, સાઇપ્રસ અને ઇજિપ્ત જેટલા દૂર સુધી અનુભવાયા હતા. પ્રારંભિક ભૂકંપ પછી આશરે 50 આફટરશોક આવ્યા હતા, જેમાં 7.5ની તીવ્રતાના એક આંચકાનો પણ સમાવેશ થાય છે.
સીરિયાના રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના વડા રાયદ અહેમદે તેને ઇતિહાસમાં નોંધાયેલો સૌથી મોટો ભૂકંપ ગણાવ્યો હતો. સિરિયાના બળવાખોર અને સરકાર અંકુશ હેઠળના વિસ્તારોમાં ઓછામાં ઓછા 810 લોકોના મોત થયા હતા, એમ સ્ટેટ મીડિયા અને મેડિકલ સૂત્રોએ જણાવ્યું હતું. તૂકીમાં બીજા ઓછામાં ઓછા 1,498 લોકોના મોત થયા હતા.
રાત્રે લોકો ઉંઘી રહ્યાં હતા ત્યારે આ વિનાશક ભૂકંપ આવ્યો હતો. સિરિયામાં અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી. સિરિયાની સરહદથી આશરે 40 કિલોમીટર દીઠ તુર્કીના શહેર ગાઝીએન્ટેપમાં ભૂકંપ આવતા લોકો પોતાના ઘરમાંથી બહાર દોડ્યા હતા.
અમેરિકાની એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપ સ્થાનિક સમય મુજબ વહેલી સવારે 04:17 વાગ્યે (0117 GMT) લગભગ 17.9 કિલોમીટર (11 માઇલ)ની ઊંડાઇએ આવ્યો હતો. 15 મિનિટ પછી 6.7-ની તીવ્રતાનો આફ્ટરશોક આવ્યો હતો. તુર્કીના AFAD કટોકટી સેવા કેન્દ્રે પ્રથમ ભૂકંપની તીવ્રતા 7.4 દર્શાવી હતી. આ ભૂકંપ ઓછામાં ઓછી એક સદીમાં આ પ્રદેશમાં આવેલા સૌથી શક્તિશાળીમાંનો એક હતો.
વિશ્વના સૌથી વધુ સક્રિય ભૂકંપ ઝોનાં તુર્કીનો સમાવેશ થાય છે. રાત્રે આવેલા ભૂકંપથી મુખ્ય શહેરોમાં અનેક એપાર્ટમેન્ટ બ્લોક ધરાશાયી થયા હતા. મૃત્યુ પામનારની સંખ્યા વધી શકે છે, કારણ કે હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દબાયેલા છે. જોકે, લેબેનોન અને ઇઝરાયલથી હાલ કોઈ પ્રકારના નુકસાનની સૂચના મળી નથી. તુર્કીના પ્રેસિડન્ટ તૈયબ અર્દોગાને ટ્વીટ કરીને કહ્યું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કાર્ય ચાલુ છે. ભૂકંપ દરમિયાન ઓછામાં ઓછા 6 આંચકા આવ્યા હતા.
અંકારા, ગાઝિયાન્ટેપ, કહરામનમારસ, ડિયર્બકિર, માલટ્યા, નૂરદગી શહેર સહિત 10 શહેરોમાં ભારે તબાહી થઈ. અહીં 250થી વધારે ઇમારતો ધરાશાયી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. અનેક લોકો કાટમાળ નીચે દબાયા હતા. લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. અનેક વિસ્તારોમાં ઇમરજન્સી લાગું કરાઈ હતી.