સંસદની સુરક્ષામાં ચૂકને મુદ્દે લોકસભા અને રાજ્યસભામાં ભારે ધાંધલધમાલ કરવા બાદ 14 સાંસદોને શિયાળુ સત્રના બાકીના સમયગાળા માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા હતાં. સંસદની સુરક્ષાના મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે મોટો વિવાદ ઊભો થયો હતો. સરકારે ગંભીર રાષ્ટ્રીય મુદ્દાને રાજકીય રંગ ન આપવાની વિપક્ષને અનુરોધ કર્યો હતો, જ્યારે કોંગ્રેસ, ટીએમસી સહિત વિપક્ષે આ મુદ્દે ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનની માગણી કરી હતી.
રાજ્યસભામાંથી ટીએમસીના ડેરેક ઓ’બ્રાયન તથા લોકસભામાંથી કોંગ્રેસના નવ, સીપીએમના બે, સીપીઆઈના એક અને ડીએમકેના એક સાંસદને સસ્પેન્ડ કરાયા હતા. વિપક્ષે ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માગણી કરીને ભારે હંગામો કર્યો હતો. વિપક્ષી સભ્યો સૂત્રોચ્ચાર કરીને ગૃહના મધ્યમાં ધસી ગયા હતા. આ પછી સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સાંસદોના સસ્પેન્શન માટે બે ઠરાવ રજૂ કર્યા હતાં.
પ્રથમ ઠરાવને ગૃહની બહાલી મળતાં કોંગ્રેસના ટીએન પ્રથાપન, હિબી એડન, જોથિમાની, રામ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસેને સસ્પેન્ડ કરાયા હતા. બીજા ઠરાવ હેઠળ કોંગ્રેસના ચાર સાંસદો – વીકે શ્રીકંદન, બેની બેહનન, મોહમ્મદ જાવૈદ અને મણિકમ ટાગોર તથા પીઆર નટરાજન (CPI-M), કનિમોઝી (DMK), કે સુબ્બારાયન (CPI), SR પાર્થિબન (DMK) અને એસ વેંકટેશન (CPI-M) સસ્પેન્ડ કરાયા હતા. સાંજ સુધીમાં સરકારે ડીએમકે સાંસદ એસઆર પાર્થિબનનું સસ્પેન્શન પાછું ખેંચવાનો નિર્ણય લીધો કારણ કે તેઓ ગૃહમાં હાજર ન હતા અને કહ્યું હતું કે તેમનું નામ ભૂલથી સામેલ થયું હતું.
સ્થગિત થયા પછી બપોરના સમયે રાજ્યસભાની કાર્યવાહી ફરી ચાલુ થઈ ત્યારે અધ્યક્ષ જગદીપ ધનખડે બેફામ વર્તન સામે અને કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા બદલ ઓ’બ્રાયનને ચેતવણી આપી હતી. તેમણે ઓ’બ્રાયનને ગૃહ છોડવા કહ્યું હતું.પરંતુ તેમને વિરોધ ચાલુ રાખ્યો હતો. ત્યારબાદ અધ્યક્ષે ગૃહના નેતા પીયૂષ ગોયલને ઓ’બ્રાયનને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ લાવવાની મંજૂરી આપી હતી. સસ્પેન્શન પછી પણ ઓ’બ્રાયને રાજ્યસભાની ચેમ્બર છોડી ન હતી અને તેમના વર્તનનો મામલો ગૃહની વિશેષાધિકાર સમિતિને સોંપવામાં આવ્યો હતો.