બ્રિટનના ઇતિહાસના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમ માટેના મહત્વના લક્ષ્યાંક તરીકે NHS દ્વારા ગત તા. 8 ડિસેમ્બરથી તા. 2 ફેબ્રુઆરી દરમિયાન કુલ 13,058,298 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 519,553 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાં ઇંગ્લેન્ડના 75 અને તેથી વધુ વયના 10 લોકોમાંથી નવનો સમાવેશ થાય છે. યુકેમાં વસતા પુખ્ત વયના દર 5 લોકોમાંથી 1 પુખ્ત વયની વ્યક્તિ રસી મેળવી ચૂકી છે. હાલમાં ઇંગ્લેન્ડ અને વેલ્સના કેર હોમના તમામ રહેવાસીઓ અને કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે.
માત્ર આઠ અઠવાડિયામાં 111 વેમ્બલી સ્ટેડિયમ પ્રેક્ષકોથી ભરાઇ જાય તેટલા લોકોને રસી આપવામાં આવી છે. ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં વડા પ્રધાન જે ટોચના ચાર અગ્રતા જૂથોના લોકોને રસી આપવાનું લક્ષ્યાંક ધરાવે છે તેઓ કોવિડ મૃત્યુનો 88% હિસ્સો ધરાવે છે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકએ કહ્યું હતું કે “આ જબરદસ્ત સિદ્ધિ NHS કાર્યકરો, વોલંટીયર અને સશસ્ત્ર દળોના લોકો યુકેના દરેક ખૂણામાં અથાક મહેનત કરી રહ્યા છે તેમને આભારી છે. હું તેમાં ભાગ ભજવનાર દરેકનો આભાર માનું છું. રસી એ રોગચાળામાંથી બહાર નીકળવાનો માર્ગ છે. સરકારે યુકેના બધા લોકોને રસીનો ડોઝ સુરક્ષિત રીતે પહોંચાડવા માટે ઝડપથી કામ કર્યું છે.’’
લેન્સેટમાં પ્રકાશિત થયેલ અભ્યાસ મુજબ ઑક્સફર્ડ યુનિવર્સિટી / એસ્ટ્રાઝેનેકા નિર્મીત રસી પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે જો 12 અઠવાડિયાનો વિરામ રાખવામાં આવે તો 76 ટકા સુરક્ષા આપે છે. વળી આ રસી મેળવનાર વ્યક્તિ અન્યને ચેપ લગાવી શકતી નથી. યુકેમાં ઉપયોગમાં લેવાતી તમામ રસીઓ મજબૂત ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ છે અને MHRAનાં સલામતી, અસરકારકતા અને ગુણવત્તાના કડક ધોરણોમાં પાસ થઇ છે. રસીકરણ કાર્યક્રમનો સતત વિસ્તર થઇ રહ્યો છે અને હજારો રસીકરણ કેન્દ્રો ખુલ્લા મૂકાયા છે.
વેક્સીનેશન ડીપ્લોયમેન્ટ મિનીસ્ટર નધિમ ઝહાવીએ કહ્યું હતું કે “યુકેનો રસીકરણ પ્રોગ્રામ જોરશોરથી ચાલી રહ્યો છે અને NHS સૌથી વધુ સંવેદનશીલ લોકોને બચાવવા માટે શક્ય બધું કરી રહ્યું છે. શક્ય તેટલા લોકોના જીવ બચાવવા માટે આવતા અઠવાડિયામાં જાહેર જનતા રસી લે તે મહત્વપૂર્ણ છે.
સરકારના વેક્સિન્સ ટાસ્કફોર્સ દ્વારા, યુકેની જનતાને રસી મળી શકે તે માટે રસી બનાવતી સાત કંપનીઓ પાસે કુલ 407 મિલિયન ડોઝનું બુકિંગ કરાવ્યું છે અને કુલ £300 મિલિયનનું રોકાણ કર્યું છે.