1,362 candidates in the fray for the first phase of elections in Gujarat
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બુધવારે અમદાવાદમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રોડ શો દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) સમર્થકોનું અભિવાદન કર્યું હતું. (ANI Photo)

ગુજરાતમાં 1 ડિસેમ્બરે પહેલા તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણી લડવા માટે કુલ 1362 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. સોમવારે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. ચૂંટણીપંચે 5 નવેમ્બરે પહેલા તબક્કા માટે ઉમેદવારી પત્ર સ્વિકારવાનું શરુ કર્યું હતું. ગુજરાતમાં કુલ 182 બેઠકોમાંથી 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયની માહિતી અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતા કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમી દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યારે 95 ઉમેદવારોએ બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યા છે. 

બીજા તબક્કામાં કુલ 93 બેઠકો પર ચૂંટણી યોજાશે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને વડોદરા જિલ્લાની અલગ-અલ બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર છે. 

પહેલા તબક્કામાં ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા છે કારણ કે રાજકીય પક્ષોના ડમી ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેશે. સાથે જ ઉમેદવારી પત્રોની તપાસ દરમિયાન કેટલાક ફોર્મ રિજેક્ટ થશે.  

ગુજરાતમાં આ વખતે ત્રિકોણીય જંગ છે. રાજ્યમાં આશરે 27 વર્ષથી ભાજપનું શાસન છે અને કોંગ્રેસ ફરી સત્તા પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરશે. બીજી તરફ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુકી છે.  

 

LEAVE A REPLY