આ વર્ષની શરૂઆતથી જ અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓ સંબંધિત દુઃખદ બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. ન્યૂયોર્કમાં ભારતીય રાજદ્વારી મિશને શુક્રવારે જણાવ્યું હતું કે ઓહાયો રાજ્યના ક્લેવલેન્ડમાં ઉમા સત્ય સાંઈ ગડ્ડેના નામના વિદ્યાર્થીનું મોત થયું હતું અને પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. મોતનું કારણ જાણવા મળ્યું નથી.
ગ્લોબલ હિન્દુ હેરિટેજ ફાઉન્ડેશન (GHHF)એ આવા મૃત્યુની સ્વતંત્ર FBI તપાસની માંગણી કરતી પિટિશન કરી છે. આ સંગઠને અમેરિકામાં મૃત્યુ પામ્યા હોય તેવા 12 વિદ્યાર્થીઓની યાદી આપી છે.
ન્યૂયોર્કમાં કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે ભારતીય સમુદાયના સભ્યોના ભયજનક મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરતા લોકો તરફથી 175થી વધુ પ્રતિસાદ મળ્યા છે. કે ગુરુ નામના વ્યક્તિએ અમેરિકામાં ભારતના 14 વિદ્યાર્થીઓની યાદી આપી હતી. તેમાં અમરનાથ ઘોષ, સમીર કામથ, શ્રેયસ રેડ્ડી, નીલ આચાર્ય, અતુલ ધવન, વિવેક સૈની, જી દિનેશ, નિકેશ, આદિત્ય અડલાખા, વરુણ રાજ પુચા, સાઈશ વીરા, વરુણ મનીષ છેડા અને અભિજિત પરચુરીનો સમાવેશ થાય છે. આ યાદીમાં 14મું નામ ગડ્ડે છે. તેમણે કહ્યું હતું કે હત્યાઓ, શંકાસ્પદ મૃત્યુ, અકસ્માતો અને અન્ય સહિત વિવિધ કારણોને કારણે મૃત્યુ થયા છે.
ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે તે ક્લેવલેન્ડમાં ઉમા સત્ય સાંઈ ગડ્ડેના દુર્ભાગ્યપૂર્ણ નિધનથી ખૂબ જ દુઃખી છે. મૃત્યુ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે અને તે ભારતમાં પરિવારના સંપર્કમાં છે. ઉમા ગડ્ડેના પાર્થિવ દેહને વહેલામાં વહેલી તકે ભારત પહોંચાડવા સહિત તમામ શક્ય સહાયતા આપવામાં આવી રહી છે.
ગયા મહિને ભારતના 34 વર્ષીય ક્લાસિકલ ડાન્સર અમરનાથ ઘોષની મિસોરીના સેન્ટ લુઇસમાં ગોળી મારી હત્યા કરાઈ હતી. પાંચ ફેબ્રુઆરીએ પરડ્યુ યુનિવર્સિટીમાં 23 વર્ષીય ભારતીય-અમેરિકન વિદ્યાર્થી સમીર કામથ ઈન્ડિયાનામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. 2 ફેબ્રુઆરીએ 41 વર્ષીય ભારતીય મૂળના IT એક્ઝિક્યુટિવ વિવેક તનેજાને વોશિંગ્ટનમાં એક રેસ્ટોરન્ટની બહાર હુમલા દરમિયાન જીવલેણ ઈજાઓ થઈ હતી.
ભારતીયો અને ભારતીય મૂળના વ્યક્તિઓ/વિદ્યાર્થીઓ પરના શ્રેણીબદ્ધ હુમલાઓની ઘટનાઓને પગલે વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ અને વિવિધ સ્થળોએ તેના વાણિજ્ય દૂતાવાસે અમેરિકામાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપ કર્યો હતો. આ વાર્તાલાપમાં વિદ્યાર્થીઓની સુખાકારીના વિવિધ પાસાઓની ચર્ચાવિચારણા કરાઈ હતી અને ભારતીય ડાયાસ્પોરા સાથે સંપર્કમાં રહેવાનો અનુરોધ કરાયો હતો.