(ANI Photo)

લોકસભાની ચૂંટણી લડી રહેલા આશરે 121 ઉમેદવારોએ અભણ છે તથા 359 ઉમેદવારો માત્ર  ધોરણ-5 સુધી ભણેલા છે. આ ઉપરાંત 647 ઉમેદવારોએ આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, જ્યારે લગભગ 1,303 ઉમેદવારો 12મું ધોરણ પાસ છે. આ ઉપરાંત 1,502 ઉમેદવારો ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવે છે.

ચૂંટણી પંચે જારી કરેલા ડેટાનું વિશ્લેષણ કરી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ આ માહિતી જારી કરી હતી. વિશ્લેષણ મુજબ આશરે 198 ઉમેદવારો ડોક્ટરેટની પદવી ધરાવે છે.

ADR એ લોકસભા ચૂંટણીમાં લડી રહેલા કુલ 8,360 ઉમેદવારોમાંથી 8,337ની શૈક્ષણિક લાયકાતનું વિશ્લેષણ કર્યું હતું.

ચૂંટણીના પ્રથમ તબક્કામાં, 639 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત ધોરણ 5 અને 12 સુધીની હોવાની જાહેરાત કરી હતી, જ્યારે 836 ઉમેદવારો પાસે સ્નાતક અથવા તેથી વધુની લાયકાત છે. વધુમાં 36 ઉમેદવારોએ પોતાને માત્ર સાક્ષર, 26 અભણ  જાહેર કર્યા હતા અને ચારે તેમની શૈક્ષણિક લાયકાત જાહેર કરી ન હતી.

બીજા તબક્કાની ચૂંટણી દરમિયાન 533 ઉમેદવારોએ તેમનું શિક્ષણ સ્તર 5મા અને 12મા ધોરણની વચ્ચે જાહેર કર્યું હતું, જ્યારે 574 ઉમેદવારોએ સ્નાતક અથવા તેનાથી વધુનો અભ્યાસ હોવાનો અહેવાલ આપ્યો હતો. લગભગ 37 ઉમેદવારોએ પોતાને માત્ર સાક્ષર, આઠે નિરક્ષર હોવાની માહિતી આપી હતી. ત્રણ ઉમેદવારો તો પોતાની શૈક્ષણિક લાયકાતની વિગત જ આપી ન હતી.

ત્રીજા તબક્કામાં 639 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત ધોરણ 5 અને 12ની વચ્ચે હોવાની માહિતી આપી હતી,  જ્યારે 591 ઉમેદવારોએ પોતાને સ્નાતક અથવા તેથી વધુ ભણેલા હોવાનું જાહેર કર્યું હતું. આ ઉપરાંત  56 માત્ર સાક્ષર છે અને 19 અભણ છે. ત્રણ ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત જાહેર કરી ન હતી.

ચોથા તબક્કા માટે, 644 ઉમેદવારોએ તેમના શિક્ષણનું સ્તર 5મા અને 12મા ધોરણની વચ્ચે જાહેર કર્યું હતું, જ્યારે 944 સ્નાતક અથવા તેથી વધુ હોવાનું નોંધાયું હતું. ત્રીસ ઉમેદવારોએ પોતાને માત્ર સાક્ષર જાહેર કર્યા અને 26 અભણ હતાં.

પાંચમા તબક્કામાંમાં  293 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત 5મા અને 12મા ધોરણ સુધીની જાહેરાત કરી હતી, જ્યારે 349 ઉમેદવારોએ પોતાને સ્નાતક અથવા ઉચ્ચ ડિગ્રી ધરાવતા જાહેર કર્યા હતા. લગભગ 20 ઉમેદવારો માત્ર સાક્ષર છે અને પાંચ અભણ છે. બે ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત જાહેર કરી ન હતી.

LEAVE A REPLY