વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં મળેલી આશરે 1,200થી વધુ વસ્તુઓની 17 સપ્ટેમ્બરે હરાજી કરવામાં આવશે અને તેનાથી મળનારી રકમ ‘નમામી ગંગા મિશન’ માટે અપાશે. મોદી તેમની ભેટસોગાદોમાં મળેલી વસ્તુઓની જાહેર હરાજી કરીને તેની રકમ લોકકલ્યાણ માટે વાપરતા હોય છે.
નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટના ડિરેક્ટર જનરલ અદ્વૈત ગદનાયકે આપી હતી કે આ હરાજી વેબ પોર્ટલ pmmementos.gov.in દ્વારા યોજાશે અને તે બીજી ઓક્ટોબરે પૂરી થશે. આ જ ગેલેરીમાં અત્યારે મોદીને મળેલી ભેટસોગાદો મૂકવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે, “સામાન્ય વ્યક્તિ અને મોટી હસ્તીઓ દ્વારા વડાપ્રધાનને મળેલી અને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસો દર્શાવતી સંખ્યાબંધ ભેટસોગાદોની હરાજી કરાશે. તેની બેઝ પ્રાઇસ રૂ.૧૦૦થી રૂ.૧૦ લાખ સુધીની છે.” આવી ભેટોમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આપેલી રાણી કમલાપતિનું સ્ટેચ્યુ, હનુમાનજીની મૂર્તિ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગીએ ભેટમાં આપેલું સૂર્યનું ચિત્ર અને હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે આપેલી ત્રિશૂળની ગિફ્ટ સામેલ છે. એનસીપીના નેતા અજિત પવારે આપેલું મહાલક્ષ્મીનું સ્ટેચ્યુ તેમજ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીએ આપેલી ભગવાન વેંકટેશ્વરાની મૂર્તિની પણ હરાજી કરાશે.
વડાપ્રધાનને મળેલી ભેટસોગાદોનું ચોથી વખત ઇ-ઓક્શન કરવામાં આવશે. નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ્સના ડિરેક્ટર તેમ્સુનારો જમીરે જણાવ્યું હતું કે, હરાજીમાં મેડલ વિજેતા ખેલાડીઓએ વડાપ્રધાનને ભેટ કરેલા ટી-શર્ટ્સ, બોક્સિંગ ગ્લોવ્સ, ભાલો અને રેકેટ્સનો પણ સમાવેશ થાય છે. ભેટમાં વિશેષ ચિત્રો, મૂર્તિઓ, હેન્ડિક્રાફ્ટ્સ સહિતની ચીજો સામેલ છે. ઘણી ચીજો વડાપ્રધાનને પરંપરાના ભાગરૂપે ભેટમાં આપવામાં આવી છે. તેમાં પરંપરાગત અંગવસ્ત્ર, શાલ, ટોપી કે પાઘડીઓ, સમારોહમાં ભેટ કરાયેલી તલવારો સામેલ છે. અન્ય સોગાદોમાં અયોધ્યામાં બનનારા રામ મંદિર તેમજ વારાણસીમાં બનેલા કાશી વિશ્વનાથ મંદિરની પ્રતિકૃતિ અને મોડલ્સનો પણ સમાવેશ થાય છે.