લોકસભાની ચૂંટણી પહેલા છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં મંગળવારે સુરક્ષા જવાનો સાથેના અલગ-અલગ એન્કાઉન્ટરમાં એક મહિલા સહિત કુલ 12 નક્સલીઓનો મોત થયાં હતાં. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં મંગળવારે સુરક્ષા જવાનોએ એક મોટું ઓપરેશન હાથ ધરીને 10 નક્સલવાદીને ઠાર કર્યા હતાં. મધ્યપ્રદેશના બીજા એક એન્કાઉન્ટરમાં પોલીસે બે નક્સલવાદીઓ ઠાર કર્યા હતા. મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં ઠાર થયેલા નક્સલીઓ માટે ઇનામ જાહેર કરાયેલું હતું.
તાજેતરની ઘટના સાથે બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળો સાથે અલગ-અલગ એન્કાઉન્ટરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 43 નક્સલવાદીઓ માર્યા ગયા છે. બસ્તર પ્રદેશમાં બીજાપુર સહિત સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે.
છત્તીસગઢનો બીજાપુર જિલ્લો બસ્તર લોકસભા બેઠક હેઠળ આવે છે, જ્યાં 19 એપ્રિલે ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થશે. બસ્તર રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન કરી રહી ત્યારે ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લેન્દ્રા ગામની નજીકના જંગલમાં સવારે 6 વાગ્યે ફાયરિંગ ચાલુ થયું હતું. ગોળીબાર બંધ થયા પછી એક લાઇટ મશીનગન, એક .303 રાઇફલ, મોટી સંખ્યામાં બેરલ ગ્રેનેડ લોન્ચર અને અન્ય હથિયારો-દારૂગોળો સાથે ચાર નક્સલવાદીઓના મૃતદેહ સ્થળ પરથી મળી આવ્યા હતાં. આ પછી એન્કાઉન્ટર સ્થળ પર વધુ પાંચ મૃતદેહો મળી આવ્યા હતાં. આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ ઓપરેશનમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને તેની ચુનંદા યુનિટ કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (CoBRA)ના જવાનો સામેલ થયા હતાં.
અધિકારીએ કહ્યું હતું કે નક્સલવાદીઓની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે તેઓ માઓવાદીઓની પીએલજીએ (પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી) કંપની નંબર 2ના સભ્યો હતાં.
ઉલ્લેખનીય છે કે નક્સલવાદીઓ દર વર્ષે માર્ચ અને જૂન વચ્ચેના ઉનાળામાં ટેક્ટિકલ કાઉન્ટર ઓફેન્સિવ કેમ્પેઈન (TCOC) હાથ ધરતા હોય છે અને તેમની હિંસક પ્રવૃત્તિઓમાં વધારો કરતાં હોય છે. આ સમયગાળા દરમિયાન બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળો પર અનેક હુમલા કરવામાં આવ્યા છે.27 માર્ચે બીજાપુરના બાસાગુડા વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં છ નક્સલવાદીઓના મોત થયા હતા.