ખગોળશાસ્ત્રીઓએ ગુરુ ગ્રહની આસપાસ 12 નવા ચંદ્રો શોધી કાઢ્યા છે. તેનાથી આ ગ્રહમાં ચંદ્રની સંખ્યા વધીને 92ના રેકોર્ડ પર પહોંચી છે. આ સંખ્યા આપણા સૌરમંડળના કોઈપણ અન્ય ગ્રહ કરતાં વધુ છે. ચંદ્રની સંખ્યાના સંદર્ભમાં અગાઉ શનિ ગ્રહ ટોચે હતો. શનિ ગ્રહમાં 83 ચંદ્રને પુષ્ટી મળેલી છે.
ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયનના માઇનોર પ્લેનેટ સેન્ટર દ્વારા રાખવામાં આવતી યાદીમાં ગુરુ ગ્રહ પરના નવા ચંદ્રનો તાજેતરમાં ઉમેરો કરવામાં આવ્યો હતો, એમ કાર્નેગી ઇન્સ્ટિટ્યુશનના સ્કોટ શેપર્ડે જણાવ્યું હતું.
ખગોળશાસ્ત્રીઓએ 2021 અને 2022માં હવાઈ અને ચિલીમાં ટેલિસ્કોપનો ઉપયોગ કરીને નવા ચંદ્રો શોધી કાઢ્યા હતા અને તેમની ભ્રમણકક્ષાને અનુવર્તી અવલોકનો સાથે પુષ્ટિ મળી હતી. શેપર્ડના જણાવ્યા મુજબ, આ નવા ચંદ્રો 0.6 માઇલથી 2 માઇલ (1 કિલોમીટરથી 3 કિલોમીટર) સુધીના કદમાં છે.
એપ્રિલમાં યુરોપિયન સ્પેસ એજન્સી ગુરુ ગ્રહ અને તેના કેટલાક સૌથી મોટા, બર્ફીલા ચંદ્રનો અભ્યાસ કરવા માટે અવકાશયાન મોકલી રહી છે. આગામી વર્ષે નાસા ગુરુના ચંદ્રનું વિશ્લેષણ કરવા યુરોપા ક્લિપર લોન્ચ કરશે, બર્ફીલા ચંદ્રના થીજી ગયેલા પોપડાની નીચે એક મહાસાગર હોવાની શક્યતા છે. શેપર્ડે થોડા વર્ષો પહેલા શનિની આસપાસ ઘણા ચંદ્રની શોધ કરી હતી અને ગુરુની આસપાસ અત્યાર સુધીમાં 70 ચંદ્રની શોધોમાં ભાગ લીધો છે
ગુરુ અને શનિ ગ્રહો નાના ચંદ્રોથી ભરેલા છે. એવું માનવામાં આવે છે કે તે એક વખતના મોટા ચંદ્રના ટુકડા છે જે એકબીજા સાથે અથવા ધૂમકેતુઓ અથવા એસ્ટરોઇડ્સ સાથે અથડાયા હતા. શેપર્ડે જણાવ્યું હતું. યુરેનસ અને નેપ્ચ્યુન માટે આવું છે, પરંતુ તેઓ ઘણા જ દૂર છે તેથી ચંદ્ર શોધવાનું વધુ મુશ્કેલ છે. યુરેનસમાં 27 પુષ્ટિ થયેલ ચંદ્ર, નેપ્ચ્યુન 14, મંગળ બે અને પૃથ્વી એક છે. શુક્ર અને બુધમાં એક પણ ચંદ્ર નથી.