બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે નિધન થયાના બીજા દિવસે શુક્રવારથી સમગ્ર બ્રિટનમાં ૧૨ દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરાઇ હતી. રાણીના નિધન પછી રાજકીય પ્રોટોકોલ મુજબ રાણીનું નિધન ૯૬ વર્ષે થયું હોવાથી ૯૬ તોપની સેલ્યુટ અપાઇ હતી.
બ્રિટનનાં નવાં વડાંપ્રધાન લિઝ ટ્રસે પાર્લામેન્ટના વિશેષ સંયુક્ત સંસદીય સત્રમાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલી આપી તેમની સરખામણી એવી ચટ્ટાન સાથે કરી હતી, જેના પર આધુનિક બ્રિટનનો પાયો રખાયો છે. તેમણે રાણીને ગ્રેટ બ્રિટનની સૌથી મોટી તાકત ગણાવ્યા હતા. જેમના શાસનમાં આપણો દેશ સમૃદ્ધ થયો હતો.
લોકોએ સમગ્ર બ્રિટનમાં આવેલા શાહી મહેલો અને શાહી પરિવારના નિવાસો સામે ફૂલોના બૂકે મૂકી રાણી એલિઝાબેથને શ્રદ્ધાંજલી આપી હતી.
કિંગ ચાર્લ્સ III ગત શુક્રવારે સ્કોટલેન્ડથી બ્રિટનના કિંગ તરીકે પહેલી વખત બકિંગહામ પેલેસ પહોંચ્યા હતા. જ્યાં ઉપસ્થિત હજારો લોકોએ ‘ગોડ સેવ ધ કિંગ’ના સૂત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કર્યું હતું.