અમેરિકામાં ફેડરલ રિઝર્વે બુધવારે તેના બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. આની સાથે અમેરિકામાં વ્યાજદર 2001 પછીની સૌથી સ્તરે પહોંચ્યા હતા. ફુગાવાને અંકુશમાં લેવા માટે ફેડ આ વર્ષના અંત ભાગમાં વ્યાજદરમાં ફરી વધારો કરશે તેવા પણ સંકેત આપ્યાં હતા. આની સાથે ફેડના લેન્ડિંગ રેટ 5.25થી 5.5 ટકાના રેન્જમાં આવ્યા છે.
વ્યાજદરમાં વધારો કરવાના નિર્ણયની જાહેરાત કર્યા પછી ફેડના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે ફુગાવો અમારા બે ટકાના ટાર્ગેટ સુધી નીચો ન આવે ત્યાં સુધી અમે નીતિવિષયક નિયંત્રણો ચાલુ રાખવા માંગીએ છીએ. જો યોગ્ય લાગશે તો પણ અમે વ્યાજદરમાં ફરી વધારો કરવા માટે તૈયાર છીએ. વ્યાજદરમાં આ વધારો વિશ્લેષકોની અપેક્ષાઓ સાથે સુસંગત હતો, માર્ચ 2022માં ફુગાવા સામે આક્રમક અભિયાન ચાલુ કર્યા પછી અત્યાર સુધી વ્યાજદરમાં 11 વખત વધારો કરવામાં આવ્યો છે.