ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ બહાર આવી રહ્યાં છે. આજે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 11 થઇ ગઇ છે. આમ અમદાવાદમાં 6, વડોદરામાં ત્રણ, સુરતમાં એક અને રાજકોટમાં એક કેસ અત્યારસુધી પોઝિટિવ નોંધાયા છે. નોંધનીય છેકે અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે એ તમામ વિદેશથી આવેલા નાગરિકોમાં નોંધાયા છે. સિવિલ હોસ્પિટલના શંકાસ્પદ કેસોમાં કુલ 4 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે ત્રણ કેસના રિપોર્ટ આવવાના બાકી છે.
આમ SVP હોસ્પિટલના 2 અને અસારવા સિવિલના 4 કેસ મળી અમદાવાદમાં કુલ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના મુદ્દે ચાર શહેર માટે રાજ્ય સરકાર સજ્જ થઇ ગઇ છે. મોટા શહેરોમાં કોરોનાનો કેર વધતો અટકાવવા માટે ઉચ્ચ અધિકારી અને મંત્રીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે વડોદરા જવા રવાના થયા છે. કોરોના મામલે ચારેય શહેરો કે જ્યાં પોઝિટિવ કેસ નોંધાયા છે એ શહેરોના નિરીક્ષણની જવાબદારી મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વડોદરાની જવાબદારી સોંપાતા તેઓ વડોદરા જવા રવાના થયા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા રાજકોટ પહોંચ્યા છે તો કેબિનેટ મંત્રી ગણપત વસાવા સુરત પહોંચવાના છે. જ્યારે અમદાવાદનું નિરીક્ષણ ગાંધીનગરથી થવાનું છે. તમામ શહેરોમાં 11.30 વાગ્યે મંત્રીઓ દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવશે. ઉપરાંત ચારેય શહેરોમાં પ્રભાવી સચિવની નિમણૂક કરવામાં આવી છે. ચારેય શહેરોમાં પૂર્વ કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ માટે ડો. રાહુલ ગુપ્તા, વડોદરાનું સુપરવિઝન વિનોદ રાવ, સુરતની જવાબદારી એમ.એસ પટેલ અને અમદાવાદની જવાબદારી પંકજકુમારને સોંપવામાં આવી છે.