વિશ્વભરમાં કોરોના વાઇરસના નિયંત્રણો દૂર થયા પછી પણ 11 મિલિયન વિદ્યાર્થિનીઓ શાળામાં અભ્યાસ કરવા માટે ફરીથી આવવા માટે અસમર્થ હશે તેવું યુનેસ્કોના વડા ઔડ્રી અઝૌલે ગુરુવારે કોંગોની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘અમને ચિંતા છે કે ઘણા દેશોમાં શાળાઓ બંધ થવાના કારણે કમનસીબે નુકસાન થયું છે. તેમણે દેશમાં 2020-21 શાળાકીય વર્ષ શરૂ થયાના ત્રણ દિવસ પછી રાજધાની કિન્શાસાની એક હાઇસ્કૂલની મુલાકાત લીધી હતી.
ભૂતપૂર્વ ફ્રેન્ચ સાંસ્કૃતિક પ્રધાને જણાવ્યું હતું કે, ‘અમારો અંદાજ છે કે વિશ્વભરની શાળામાં 11 મિલિયન વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરવા માટે પરત નહીં જઇ શકે. તે માટે અમે શાળામાં પરત જવાની જરૂરિયાત અંગે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.’ અઝૌલેએ જણાવ્યું હતું કે, કમનસીબ છોકરીઓ માટે શિક્ષણ હજુ પણ ખૂબ જ અસમાન છે’. તેમણે નોંધ્યું હતું કે, યુએન એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (UNESCO) માટે શિક્ષણની ઉપલબ્ધતા તેમના માટેની પ્રાથમિકતા છે. અઝૌલેની સાથે રહેલા કોંગોના શિક્ષણ પ્રધાન વિલી બકોન્ગાએ તેમને ગયા વર્ષના સપ્ટેમ્બરમાં પ્રેસિડેન્ટ ફીલિક્સ શિસેકેડી દ્વારા શરૂ કરવામાં આવેલા મફત જાહેર પ્રાથમિક શિક્ષણના દેશના કાર્યક્રમને મદદ કરવા વિનંતી કરી હતી.
તેમણે કહ્યું હતું કે, આ કાર્યક્રમથી ગરીબ પરંતુ ખનિજથી સમૃદ્ધ મધ્ય આફ્રિકન દેશમાં ચાર મિલિયનથી વધુ બાળકો શિક્ષણ વ્યવસ્થામાં જોડાયા છે. નિષ્ણાતોના અંદાજ મુજબ મફત પ્રાથમિક શિક્ષણનો વાર્ષિક ખર્ચ $ 2.64 બિલિયન ડોલર થાય છે, જે કોંગો માટે એક મોટી રકમ છે. સેન્ટ્રલ બેંક ઓફ કોંગોના જણાવ્યા મુજબ 11 સપ્ટેમ્બર સુધીમાં, દેશની કુલ આવક 2.5 બિલિયન ડોલરથી વધુ નહોતી. પરંતુ વર્લ્ડ બેંકે 800 મિલિયન ડોલરની મદદનું વચન આપ્યું છે કે, સબ સહારન આફ્રિકાના સૌથી મોટા દેશમાં શિક્ષણ માટે નાણા આપશે, જ્યાં 73 ટકા લોકો દારૂણ ગરીબીમાં જીવે છે.