અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેને 11 મિલિયન ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને સિટિઝનશિપની દરખાસ્તની જાહેરાત કરી છે. જો કે, સેન્ટ્રલ અમેરિકાથી નવા ધસારાની ચેતવણીની વચ્ચે સમીક્ષા દરમિયાન તેમના પુરોગામીની કેટલીક કડક સરહદી નીતિઓ યથાવત રાખવામાં આવી છે.
બાઇડેનનો હેતુ સેન્ટ્રલ અમેરિકાની સરહદ પર ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ અને થોડું પણ નહીં સહન કરવાનો અભિગમ રદ કરવાનો છે, પરંતુ વ્હાઇટ હાઉસે ચેતવણી આપી હતી કે પરિસ્થિતિ ‘રાતોરાત બદલી શકાશે નહીં’.
બીજી તરફ, ખાસ કરીને એચ-1બી વીઝા માટે વધુ ઉંચા પગારના નિયમો જે ટ્રમ્પે જાહેર કર્યા હતા, તેમાં કોઈ ખાસ ફેરફાર કરવાનો બાઈડેન સરકારનો ઈરાદો જણાતો નથી, તેનાથી સ્કિલ્ડ માઈગ્રન્ટ્સ માટે સ્થિતિ મૂંઝવણભરી, અનિશ્ચિતતાભરી બની રહી હોવાનું નિષ્ણાતો માને છે.
એક વિવાદાસ્પદ ક્ષેત્રમાં નવા પ્રેસિડેન્ટે તાત્કાલિક પગલાં લઇને આશ્રયની માગણી દરમિયાન માતા-પિતા અથવા વાલીઓથી જુદા પડેલા બાળકોને ફરીથી પરિવાર સાથે એક કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. જૂન 2018માં કોર્ટના હુકમથી અટકેલા હોવા છતાં 6૦૦થી વધુ લોકો બાકી રહી ગયા છે અને બાઇડેને કહ્યું હતું કે તેમના પ્રેસિડેન્ટપદના 14 દિવસમાં કુલ 28 એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર કામ કરીને ‘આપણી પ્રતિષ્ઠા પરનો ડાઘ દૂર કરાશે’.
બાઇડેને જણાવ્યું હતું કે, ‘મેં સહી કરી છે તેવા અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ અંગે, સારા કારણોસર, ઘણી બધી વાતો છે. હું નવો કાયદો નથી બનાવી રહ્યો, હું ખરાબ નીતિ દૂર કરું છું. અમે નૈતિક અને દેશનું સન્માન પૂર્વવત્ કરવાનું કામ કરી રહ્યા છીએ. બાળકોને તેમના પરિવારો, તેમની માતા અને પિતાથી અલગ કર્યા છે, તેમના માટે કોઈ યોજના નહોતી, તેમને ફરીથી જોડવા છે.’
સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, ‘આપણી કાનૂની ઇમિગ્રેશન સિસ્ટમ પર વિશ્વાસ પાછો લાવવાનું અને અમેરિકનોની એકતાને પ્રોત્સાહન આપવાનું બાઇડેનનું લક્ષ્ય હતું.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘પ્રેસિડેન્ટ ટ્રમ્પે મેક્સિકો સરહદે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, તેમણે શા માટે લોકો આપણી સધર્ન સરહદ પર આવી રહ્યા છે, તેનું મૂળ કારણ શોધવા માટે કંઇ કર્યું નહી. તે મર્યાદિત, વ્યર્થ અને અયોગ્ય વ્યૂહરચના હતી, અને તે નિષ્ફળ ગઈ હતી.’ 74 વર્ષના ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને તથા આશ્રય ઇચ્છનારાઓને તેમના પ્રેસિડેન્ટપદનું કેન્દ્રસ્થાન બનાવતા હતા. મહામારીને કારણે ટ્રમ્પની આશ્રય મેળવવાની નવી અરજીઓ માટે બોર્ડર બંધ કરવાનું પગલું બાઇડેન પાછું ખેંચાયું નથી. તેમણે ‘સ્ટેન્ડ-ઇન-મેક્સિકો’ સ્થગિત કરીને તેની સમીક્ષાનો આદેશ કર્યો હતો કે આશ્રય ઇચ્છાનાર નવા અરજદારોને તેમના કેસ કોર્ટમાં ન આવે ત્યાં સુધી સરહદની બીજી તરફ રહેવાની જરૂર છે.
કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનના ભૂતપૂર્વ એક્ટિંગ કમિશનર, માર્ક મોર્ગને ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે, ‘બાઇડેનનો બીજો હુમલો તેના ખુલ્લી સરહદ વ્યૂહરચનાથી બમણો થઈ રહ્યો છે, જે ગેરકાયદે માઇગ્રેશનને ઉત્તેજન આપી રહ્યું છે, અને આપણ સરહદો સુધી પહોંચવા માટે નવા સંકટ પેદા કરશે.’
જોકે, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી, જેન સાકીએ સ્પષ્ટતા કરી હતી કે, ડોક્યુમેન્ટ્સ વગરના ઇમિગ્રન્ટ્સે યુએસની સરહદો પર ધસારો કરવો જોઈએ નહીં. ‘તે એક જોખમી સફર રહી છે. અમેરિકા આવવાનો આ યોગ્ય સમય નથી. લોકોની સાથે માનવીય વ્યવહાર થઈ શકે તે માટે અમને ઇમિગ્રેશન પ્રક્રિયા કરવા સમયની જરૂર છે.’
સ્કિલ્ડ વર્કર્સ માટે સ્થિતિ મૂંઝવણભરી: બાઈડેન સરકારે એવા પણ સંકેત આપ્યા છે કે અગાઉની ટ્રમ્પ સરકારની “અમેરિકન વસ્તુઓ ખરીદો, અમેરિકન્સને જોબ આપો”ની નીતિ આગળ ધપાવશે અને એ હેતુસર એચ-1બી વીઝા મેળવવા ઈચ્છતા લોકો માટે વધુ ઉંચા પગારો આવશ્યક હોવાના ટ્રમ્પ સરકારના આદેશમાં કોઈ ફેરફાર કરાયો નથી.
અમેરિકાની ચેમ્બર ઓફ કોમર્સ તથા નેશનલ એસોસિએશન ઓફ મેન્યુફેકચરર્સે ટ્રમ્પ સરકારના એચ-1બી અને એલ વીઝા ઉપરના પ્રતિબંધો સામે સ્ટે તો મેળવ્યો હતો, પણ તે કેસ હજી ચાલી રહ્યો છે અને વકીલોના કહેવા પ્રમાણે આ સ્ટેથી મોટા ભાગની કંપનીઓને કોઈ ફાયદો થતો જણાતો નથી.
એક ઈમિગ્રેશન વકીલના કહેવા મુજબ બાઈડેન કેમ્પમાં પણ એક એવો અભિપ્રાય તો છે જ, કે પગારોની દ્રષ્ટિએ અમેરિકાના લોકોને – કર્મચારીઓને એચ-1બી વીઝા દ્વારા વિદેશથી આવતા લોકો સામે રક્ષણની જરૂર છે અને ટ્રમ્પ શાસનના પગારના નિયમો બાઈડેન તંત્ર રદ કરવા જાય તો તેમને પોતાની પાર્ટીમાં જ રાજકિય અવરોધોનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે.