પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીમાં એક શોપિંગ મોલમાં શનિવારે (25) આગ લાગવાથી ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા અને 35 ઘાયલ થયા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ પોર્ટ સિટીમાં છ માળની ઇમારતના ચોથા માળે આગ ફાટી નીકળી ત્યારે 60 થી વધુ લોકો મોલમાં હતા.
ચિપ્પા કલ્યાણ સંસ્થાના પ્રવક્તા શાહીદ હુસૈને જણાવ્યું હતું કે અમારા બચાવ કાર્યકરો અત્યાર સુધીમાં 11 મૃતદેહોને હોસ્પિટલોમાં લઈ ગયા છે. 35 લોકો ઘાયલ થયા છે, જેમાંથી સાતની હાલત ગંભીર છે. ઓછામાં ઓછા 40 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
પ્રાંતીય આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા શબ્બીર અલીએ મૃતકોની સંખ્યા અને ઘાયલ લોકોની સંખ્યાની પુષ્ટિ કરી છે. હુસૈને જણાવ્યું હતું કે આગ જનરેટરના શોર્ટ સર્કિટથી શરૂ થઈ હતી અને બિલ્ડિંગના બે માળ સુધી ફેલાઈ ગઈ હતી.
2012માં પશ્ચિમ કરાચીમાં બાલદિયા ટાઉનમાં એક કપડાના કારખાનામાં આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા 250 મજૂરોના મૃત્યુ થયા હતાં