કોરોના વાઇરસ હવે દેશભરમાં ફેલાવા લાગ્યો છે. જેને પગલે દેશના અનેક રાજ્યોમાં શટડાઉન જેવી સિૃથતિ છે, અનેક સ્કૂલ, કોલેજોને બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 81 કેસો સામે આવ્યા છે.
ગુરૂવારે રાત બાદ સાત નવા કેસો સામે આવ્યા હતા. કર્ણાટકમાં 76 વર્ષીય વૃદ્ધનું કોરોના વાઇરસને કારણે મોત નિપજ્યું હતું ત્યારે હવે દિલ્હીમાં પણ 69 વર્ષીય અન્ય એક વૃદ્ધનું પણ દિલ્હીમાં શુક્રવારે મોત નિપજતા અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી બે લોકો માર્યા ગયા છે. જ્યારે 11 રાજ્યોમા કોરોના વાઇરસ પહોંચી ગયો છે.
જે રાજ્યોમાં હાલ સૌથી ટાઇટ સિૃથતિ છે તેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટકા, કેરળનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં કોરોના 116 દેશોમાં ફેલાઇ ચુક્યો છે અને 1,31,500 લોકો તેની લપેટમાં આવી ગયા છે
જ્યારે પાંચ હજાર જેટલા લોકોના મોત નિપજ્યા છે, જેમાં સૌથી વધુ અસર ચીનમાં છે જ્યાં આશરે 3500 જેટલા લોકો માર્યા ગયા છે. સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ કહ્યું છે કે આ કોઇ સ્વાસ્થ્ય સંલગ્ન ઇમર્જન્સી નથી અને લોકોએ ઘબરાવાની જરૂર નથી.
ચીન, માલદીવ અને અમેરિકા વગેરેમાંથી આશરે 1031 લોકોને બચાવીને ભારત લાવવામાં આવ્યા છે. જ્યારે ભારત બાંગ્લાદેશ વચ્ચે ચાલતી પેસેંજર ટ્રેનને 15મી એપ્રીલ સુધી બંધ કરી દેવામાં આવી છે. દેશમાં આશરે 42,000 લોકો હાલ કોમ્યૂનિટી સર્વેલન્સ હેઠળ છે.
આ સિૃથતિને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સાર્ક દેશોને વીડિયો કોન્ફરન્સ દ્વારા જ બેઠક યોજવાની સલાહ આપી છેે. જ્યારે દેશમાં બિહાર, કર્ણાટકા, દિલ્હી, ઓડિશામાં સ્કૂલ-કોલેજોને સંપૂર્ણપણે હાલ પુરતા બંધ કરી દેવાના આદેશ અપાયા છે. બીસીસીઆઇએ પણ આઇપીએલની ટુર્નામેન્ટ કે જે 29મી માર્ચથી શરૂ થવાની હતી તેને હાલ પુરતા સસ્પેન્ડ કરી દીધી છે.
કર્ણાટકમાં દેશમાં કોરોનાના પ્રથમ દર્દીનું મોત નિપજ્યું છે જેને પગલે રાજ્યના બધા જ મોલ, થીયેટરો, પબ્સ, નાઇટ ક્લબ જેવા સૃથળો કે જ્યાં લોકો વધુ એકઠા થવાના હોય તેને બંધ કરી દીધા છે. સાથે જ સમર કેમ્પો સહિતના જાહેર કાર્યક્રમો રદ કરી દેવાની લોકોને સલાહ આપી છે.
કર્ણાટકના કલબુર્ગીમાં 76 વર્ષીય વૃદ્ધનું મોત થયું તેમના સંપર્કમાં આશરે 46 લોકો આવ્યા હતા જેને પણ આ વાઇરસ લાગ્યો હોવાની શક્યતાનો પગલે તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને દેશભરમાં હાલ એલર્ટ જેવી સિૃથતિ છે.
સરહદો પણ સીલ કરી દેવામાં આવી છે અને 37માંથી 19 જ બોર્ડર ચેકપોર્ટ પર ઇન્ટરનેશનલ ટ્રાફિકને માન્યતા આપી છે જ્યારે બાકીની સીલ કરી દેવાઇ છે. દિલ્હીમાં એક 69 વર્ષીય વૃદ્ધનું મોત નિપજતા રાજ્યમાં એલર્ટ જેવી સિૃથતિ છે.