મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ કાર્યક્રમમાં ખુલ્લામાં બેઠેલા 11 લોકો હીટ સ્ટ્રોકને કારણે મૃત્યુ પામ્યાં હતાં અને 50 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગૃહ પ્રધાન અમિત શાહે સામાજિક કાર્યકર્તા અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્થાપિત એવોર્ડ એનાયત કર્યો હતો. આ સમારંભ નવી મુંબઈ ખાતે યોજાયો હતો, જ્યાં દિવસનું તાપમાન મહત્તમ 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ એવોર્ડ સમારંભમાં હાજરી આપી હતી. નવી મુંબઈના વિશાળ મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં સામાજિક કાર્યકર્તાના અનુયાયીઓ આવ્યા હતા. એવોર્ડ સમારોહ સવારે 11.30 વાગ્યે શરૂ થયો હતો અને બપોરે 1 વાગ્યા સુધી ચાલ્યો હતો. ગ્રાઉન્ડ લોકોથી ભરચક હતું અને તેઓ ઇવેન્ટને જોઈ શકે તે માટે ઑડિયો અને વિડિયો સુવિધાઓથી સજ્જ હતું. પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા હતી પરંતુ તેના પર કોઈ શેડ ન હતો.
ડૉક્ટરો પાસેથી મળેલી માહિતી મુજબ 7-8 લોકોના મોત થયા હતા, જ્યારે 24ની સારવાર ચાલી રહી છે. આ સનસ્ટ્રોકનો કેસ છે. લગભગ 50 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 24 હજુ પણ ત્યાં છે જ્યારે બાકીના લોકોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી.