અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં 72 લાકમાં 11.000 વિજળી ત્રાટકી હતી, તેના કારણે કેલિફોર્નિયાના 367 સ્થળોએ આગ લાગી હતી. આ આગે ભીંસણ સ્વરૂપ ધારણ કરી લેતા 50 થી 70 જેટલી ઈમારતોને નુકસાન થયું છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે કહ્યું હતું કે કેલિફોર્નિયા રાજ્ય ગંભીર સ્થિતિમાં સપડાઈ ગયું છે. અગાઉ ક્યારેય કેલિફોર્નિયાએ આવા દૃશ્યો જોયા નથી.
ગવર્નરે કેલિફોર્નિયામાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. સરકારે પૂરજોશમાં બચાવ કાર્ય શરૂ કરાયું હોવા છતાં સરકારી તંત્રને ધારી સફળતા મળી ન હતી. આગ પર કાબુ મેળવવા માટે 400 જેટલી ગાડીઓ રાજ્યની બહારથી બોલાવવામાં આવી છે. સરકારી અધિકારીઓના કહેવા પ્રમાણે 72 કલાકમાં વીજળી પડવાની 11000 ઘટના નોંધાઈ હતી, તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
જંગલ વિસ્તારમાં પણ ભયાનક આગ ફાટી નીકળી છે. લગભગ 19000 એકરના વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ હોવાનો અંદાજ છે. આગનો ધુમાડો સાન ફ્રાન્સિસ્કો સુધી પહોંચ્યો છે. તીવ્ર ગતિએ પ્રસરી રહેલી આગના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. અસંખ્ય લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. હજારો લોકો બેઘર થઈ ગયા હોવાનું કહેવાય છે. કેલિફોર્નિયામાં કાતિલ ગરમી પડી રહી છે. આ સપ્તાહમાં જ ઘણાં સ્થળોનું તાપમાન ૩૫થી લઈને 38 ડિગ્રી નોંધાયું હતું.