દિલ્હીમાં મંગળવારે કોરોના વાયરસના ઈન્ફેક્શનની શંકાએ ત્રણ લોકોને રામ મનોહર લોહિયા હોસ્પિટલ (આરએમએલ)માં દાખલ કરવામાં આવ્યા છે. તેમના બ્લડ સેમ્પલને તપાસ માટે નેશનલ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ (એનસીડીસી) મોકલવામાં આવ્યા છે. જ્યારે કેરળના તિરુવંતપુરમ, એર્નાકુલમ અને ત્રિસુરમાં પાંચ લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. 431 અન્ય યુવકોને તેમના ઘરમાં જ ઓબ્ઝર્વેશનાં રાખીને સારવાર કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રના એક સીનિયર ઓફિસરે મંગળવારે જણાવ્યું છે કે, તાજેતરમાં જ ચીનથી પરત આવેલા છ યુવકોને ઈન્ફેક્શનની શંકા પછી પુણે અને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા સતત વધી ગઈ છે. આ સંખ્યા મંગળવારે 107 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1300 નવા કેસ સામે આવ્યા છે. ચીનમાં હેલ્થ કમિશને જણાવ્યું કે, હુબેઈ રાજ્યમાં સૌથી વધારે 100 લોકોના જીવ ગયા છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 4515 કેસ નોંધાયા છે.
તેમાં 4409 માત્ર ચીનમાં છે. વિદેશ મંત્રાલયને સૌથી વધારે અસર ગ્રસ્ત વુહાન શહેરમાં ફસાયેલા ભારતીયોની સંખ્યા વિશે જાણ નથી. જોકે તેમને ત્યાંથી બહાર કાઢવા માટે એર ઈન્ડિયા જંબો જેટ તૈયાર કરવામાં આવ્યું છે. તેઓ હવે માત્ર સરકાર પાસેથી આદેશ મળવાની રાહ જોઈ રહ્યા છે. મ્યાનમારમાં ભારત સાથે જોડાયેલી સીમા પર કોરોનાવાયરસ સ્ક્રીનિંગ લગાવાવમાં આવી છે.
મ્યાનમારના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે, ભારતીય નાગરિકોના સ્ક્રીનિંગ માટે સીમા પર ઈન્ફેક્શન તપાસવા માટે એક ડિવાઈસ લગાવવામાં આવી છે. મણિપુરના મોરેહ દ્વારા લોકો મ્યાનમારમાં પ્રવેશ કરી રહ્યા છે. મોરેહ ભારત અને મ્યાનમાર વચ્ચે વેપારનું એક મુખ્ય કેન્દ્ર છે. અધિકારીઓએ કહ્યું કે, ભારતીય નાગરિકોએ વેપાર માટે રોજ મ્યાનમારમાં 16 કિમી અંદર જવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે તેમને સાંજે 4 વાગ્યા સુધીમાં પરત થઈ જવાનું હોય છે.