ભારતીય સિનેમા ઉદ્યોગમાં છેલ્લા થોડા સમયથી બિઝનેસની દૃષ્ટિએ નકારાત્મક વાતાવરણ હતું. કોરોનાના કારણે લાંબા સમય સુધી થીયેટરો બંધ રહ્યા હતા અને જ્યારે થીયેટરો ખુલ્યા ત્યારે દર્શકો જવા માટે તૈયાર નહોતા. પરંતુ તેમાં ધીમો સુધારો જોવા મળ્યો હતો.
બોક્સ ઓફિસ પર રજનીકાંતની જેલર, અક્ષયકુમારની OMG 2, સની દેઓલની ગદર 2 અને ચિરંજીવીની ભોલા શંકર ફિલ્મ ધૂમ મચાવી રહી છે. આ ચાર ફિલ્મોએ સાથે મળીને સિનેમાનો ઈતિહાસ બદલી નાખ્યો છે. સિનેમાના 100 વર્ષના ઇતિહાસમાં જે નથી થયું તે જેલર, OMG 2, ગદર 2 અને ભોલા શંકરે કરી બતાવ્યું છે.
મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે, સની દેઓલ, અક્ષય કુમાર, સુપર સ્ટાર રજનીકાંત અને ચિરંજીવીની ફિલ્મે માત્ર 3 દિવસમાં કરી બતાવ્યું. આવું અગાઉ ઘણી વખત બન્યું છે જ્યારે બોક્સ ઓફિસ પર એકસાથે અનેક ફિલ્મો આવી હોય.
પરંતુ આવું પ્રથમવાર બન્યું છે જ્યારે ચાર ફિલ્મોએ મળીને બોક્સ ઓફિસ પર ગ્રોસ 400 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. મહત્વની વાત એ છે કે, આ દરમિયાન એટલે કે, 11થી 13 ઓગસ્ટથી દરમિયાન ભારતમાં 2 કરોડ 10 લાખથી વધુ લોકો થિયેટરોમાં ગયા હતા. કોરોના પછી જ્યારથી સિનેમાઘર ખુલ્યા છે ત્યારથી આ વીકેન્ડ સૌથી વ્યસ્ત રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં આવું જોવા મળ્યું નથી. આ દિવસોમાં ગદર 2 એ135 કરોડ, OMG 2 એ રૂ. 44 કરોડ, જેલરે રૂ. 146 કરોડ અને ભોલા શંકરે રૂ. 26 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.
