ગુજરાતમાં ચોમાસાની આ સિઝનમાં 24 ઓગસ્ટ સુધીમાં માત્ર 70 દિવસમાં 100 ટકા વરસાદ નોંધાયો હતો, જે દાયકાનો સૌથી ઝડપી વરસાદ છે. ગુજરાતમાં સામાન્ય રીતે દર વર્ષે 15 જૂને ચોમાસાનો પ્રારંભ થાય છે. રાજ્યમાં ચાલુ સીઝનમાં રેકોર્ડ 852મીમી (33.46 ઈંચ) વરસાદ વરસી ગયો હતો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ દાયકાનો સિઝનનો સૌથી ઝડપી વરસાદ છે. રાજ્યમાં સીઝનનો 100 ટકા વરસાદ નોંધાયો હોય તેવું છેલ્લાં 8માંથી 4 વર્ષમાં બન્યું છે. રાજ્યમાં બે વર્ષ પછી આ વર્ષે 100 ટકા વરસાદ થયો છે.
આ ચોમાસાની બીજી સારી બાબત એ છે કે રાજ્યના તમામ ક્ષેત્રોમાં સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. જે ખેડૂતો માટે આશીર્વાદ સાબિત થશે. 24 ઓગસ્ટ સુધીમાં કચ્છ જિલ્લામાં સરેરાશ કરતા સિઝનનો 55% વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ સરેરાશ કરતા 8% વધુ વરસાદ થયો હતા.
ગુજરાતના હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક કેટલાક વર્ષો પર નજર કરીએ તો આ સિઝનનો સૌથી ઝડપી વરસાદ છે. રાજ્યના બે વિસ્તાર કચ્છ અને સૌરાષ્ટ્રમાં 52% વધુ વરસાદ થઈ ચૂક્યો છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં 32% વધુ વરસાદ થયો છે. હાલ જે પ્રકારનું હવામાન છે તે જોતા લાગે છે કે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદ થતો રહેશે.
સાર્વત્રિક વરસાદને પગલે 57 જળાશયો 100 ટકા ભરાયા
રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે 24 ઓગસ્ટ સુધીમાં ૫૭ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા હતા. સરદાર સરોવર ડેમ સહિત ૭૨ જળાશયો ૭૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે, ૨૯ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકા વચ્ચે, ૨૨ જળાશયો ૨૫ ટકાથી ૫૦ ટકા વચ્ચે, અને ૨૮ જળાશયો ૨૪ ટકાથી ઓછા ભરાયા હતી.