કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરી 2027 સુધીમાં 100 નવી મેડિકલ કોલેજો સ્થાપવાની દરખાસ્ત તૈયાર કરી છે. જિલ્લા અથવા રેફરલ હોસ્પિટલોને અપગ્રેડ કરીને નવી મેડિકલ કોલેજોની સ્થાપના માટેની કેન્દ્રની યોજનાના ભાગરૂપે રૂ.325 કરોડના અંદાજિત ખર્ચે કોલેજોની સ્થાપના કરાશે, સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
આ કોલેજોની સ્થાપનામાં કેન્દ્ર અને રાજ્ય 60:40ના પ્રમાણમાં હિસ્સો આપશે. પૂર્વોત્તર અને વિશેષ શ્રેણીના રાજ્યો માટે ભંડોળની પેટર્ન કેન્દ્ર અને રાજ્ય વચ્ચે 90:10ના પ્રમાણમાં છે. ખર્ચ વિભાગે આરોગ્ય મંત્રાલયની દરખાસ્તને મંજૂરી આપી છે અને આ સંદર્ભે એક કેબિનેટ નોંધ પહેલેથી જ તૈયાર કરાઇ છે.
છેલ્લા ત્રણ તબક્કામાં 157 મેડિકલ કોલેજોને મંજૂરી અપાઈ હતી અને તેમાંથી 93 કાર્યરત થઈ છે જ્યારે અન્ય નિર્માણના વિવિધ તબક્કામાં છે. આ સૂચિત 100 મેડિકલ કોલેજો 10 લાખથી વધુ વસ્તી ધરાવતા અને જ્યાં ખાનગી કે સરકારી મેડિકલ કોલેજો નથી, તેવા 100 જિલ્લાઓમાં સ્થાપવામાં આવશે.
સત્તાવાર સૂત્રે જણાવ્યું હતું કે “આ યોજનાના ચોથા તબક્કામાં જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને 100 મેડિકલ કોલેજો સ્થાપવાની દરખાસ્તને એક્સપેન્ડિચર ફાઇનાન્સ કમિટી (EFC)એ મંજૂરી આપી છે. આ પછી એક કેબિનેટ નોંધ તૈયાર કરાઇ છે.”