અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બાઈડેને કોરોના વાઈરસના રોગચાળાને હરાવવાને તેમજ કોરોનાના કારણે બેહાલ થયેલા અમેરિકન લોકોને આર્થિક સહિતની અનેક રાહતોને તેમની સરકારની સૌથી મોટી પ્રાથમિકતા જાહેર કરી છે. તેઓએ 100 દિવસમાં 100 મિલિયન વેક્સિન્સ આપવાનો ખૂબજ મહત્ત્વાકાંક્ષી ટાર્ગેટ નિશ્ચિત કર્યો છે, તો તમામ અમેરિકન નાગરિકોએ 100 દિવસ માસ્ક પહેરવો ફરજિયાત રહેશે એવો પણ આદેશ જાહેર કર્યો છે.
બાઈડેન એડમિનિસ્ટ્રેશને રવિવારે વધારાના $1.9 ટ્રિલિયનના પેન્ડેમિક રીલીફ પેકેજની પણ જાહેરાત કરી હતી અને તેના મહત્ત્વ ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે, તેનો અમલ સસ્તો તો નથી જ, પણ એ રાહત પેકેજ નહીં આપીએ તો એ સ્થિતિ અમેરિકાને વધુ મોંઘી પડશે. જો કે, કેટલાક રીપબ્લિકન સેનેટર્સે આટલા મોટા રાહત પેકેજ સામે વાંધો લીધો હતો, ખાસ કરીને તાજેતરમાં જ $900 બિલિયનના રાહત પેકેજને મંજુરી અપાઈ હોવાના સંદર્ભમાં. બાઈડેનની કાઉન્સિલ ઓફ ઈકોનોમિક એડવાઈઝર્સના સભ્ય જારેડ બર્ન્સ્ટેઈને કહ્યું હતું કે, અગાઉનું 900 બિલિયનનું રાહત પેકેજ એક-બે મહિનામાં પુરૂ થઈ જશે, તેની ક્ષમતા એથી વધુ ટકવાની નથી.
વ્હાઈટ હાઉસના દાવા મુજબ વધારે સંખ્યામાં અમેરિકન લોકોને વધુ જોબલેસ બેનિફિટ્સ આપવા તેમજ પરિવારોને નાણાંકિય સહાય માટે આ જંગી પેકેજ આવશ્યક છે. આ પેકેજમાં મોટા ભાગના અમેરિકન્સને દરેકને $1,400 ડોલર્સના સ્ટીમ્યુલસ ચેક આપવાનો સમાવેશ થાય છે.
બાઈડેને શુક્રવારે જ આર્થિક સહાયના પેકેજના વહિવટી આદેશ ઉપર હસ્તાક્ષર કરતી વખતે કહ્યું હતું કે આપણે એક રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિમાં છીએ અને તેનો સામનો એ રીતે જ કરવો પડશે.
પ્રવાસ નિયંત્રણો ફરી લાદશેઃ પ્રમુખ જો બાઈડેન બ્રિટન, બ્રાઝિલ, આયર્લેન્ડ અને યુરોપના મોટાભાગના વિસ્તારોમાંથી આવનારા બિન અમેરિકી પ્રવાસીઓ સામે કોરોના અંગેના પ્રવાસ નિયંત્રણો ફરીથી લાદશે.
આ ઉપરાંત કોરોનાના નવા સ્ટ્રેઇને અમેરિકામાં પગપેસારો કર્યો હોઇ દક્ષિણ આફ્રિકાથી આવનારાઓ સામે પણ આ નિયંત્રણો અમલી બનાવાશે. નવા પ્રમુખે ગત સપ્તાહે માસ્ક પહેરવાના નિયમો કડક બનાવવા ઉપરાંત અમેરિકા આવનારાઓ માટે ક્નોરન્ટાઇનના આદેશો આપ્યા હતા. બાઈડેને જણાવ્યું હતું કે, 4.2 લાખનો કોરોનાનો મૃત્યુઆંક આગામી મહિને અડધો મિલિયન થવાની શક્યતા હોઇ અમેરિકા રાષ્ટ્રીય કટોકટી જેવી સ્થિતિમાં છે અને તે પ્રમાણે જ કામ કરવું રહ્યું.
ટ્રમ્પે તેમના છેલ્લા દિવસોમાં આદેશ આપ્યો હતો કે, યુરોપથી આવનારાઓ સામેના પ્રવાસ નિયંત્રણો ઉઠાવી લેવાશે. અમેરિકામાં 25 મિલિયનથી વધારે કોરોના કેસો થઇ ચૂક્યા છે.