દક્ષિણ પૂર્વ અમેરિકા ઉપર ત્રાટકેલા ઇયાન વાવાઝોડાનો મૃત્યુઆંક ફલોરિડા તથા કેરોલાઈનામાં 100થી વધુનો છે. કલાકના 150 માઈલ (240 કિ.મી.)ની ઝડપે ફૂંકાયેલા આ અત્યંત શક્તિશાળી વાવાઝોડા અને તેની સાથે પડેલા ભારે વરસાદના કારણે વીજલાઇનો અને અનેક પુલો તૂટી પડ્યા હતા. ફલોરિડામાં લી પરગણાંમાં જ સૌથી વધુ, 54થી વધુનાં મોત નીપજ્યા હતા. માટ્લાકાના મુખ્ય પુલને નુકશાન થતાં તે વિસ્તારનો સંપર્ક કપાયો હતો.
ફલોરિડામાં વાવાઝોડાના પગલે લોકોના ઘર, કાર્સ સહિત લગભગ તમામ પ્રકારના માલ-મિલકતને વ્યાપક નુકશાન થયું હતું. ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા, તો વહિવટીતંત્રના અધિકારીઓના દાવા મુજબ ફલોરિડામાં અનેક લોકોએ ગર્વનરની સલામત સ્થળે ખસી જવાની ચેતવણીની અવગણના કરી હતી, તેના પરિણામે પણ જાનહાનિ વધુ થઈ હતી.
ઇયાન વાવાઝોડાથી ફ્લોરિડામાં ભારે પૂર આવ્યું હતું. સમચાર એજન્સી – એસોસિએટેડ પ્રેસના જણાવ્યા મુજબ મોટાભાગના લોકોના મૃત્યુ ડૂબી જવાના કારણે થયા હતા. સીએનએનના જણાવ્યા પ્રમાણે રવિવાર સુધીમાં એવા રીપોર્ટસ મળ્યા હતા કે, ફ્લોરિડામાં ઓછામાં ઓછા 76 લોકોના મૃત્યુ થયા હતા.
ગવર્નર રોન ડીસાન્ટિસની ઓફિસસના જણાવ્યા પ્રમાણે, શનિવાર સુધીમાં, રાજ્યમાં એક હજારથી વધુ ફ્લોરિડા નેશનલ ગાર્ડના સભ્યો શોધ અને બચાવ કામગીરીમાં કામે લગાવાયા હતા. વાવાઝોડાની કામગીરીમાં ફ્લોરિડાના કુલ 5,000
ગાર્ડ્સમેન અને પડોશી રાજ્યોના લગભગ 2,000 ગાર્ડ્સમેન ફરજ ઉપર મુકાયા હતા.
42,000 થી વધુ લાઇનમેન 1.6 મિલિયનથી વધુ નોંધાયેલા વીજ સમસ્યાના નિવારણનું કામ કરી રહ્યા છે. ફ્લોરિડા ડિવિઝન ઓફ ઇમરજન્સી મેનેજમેન્ટે અસરગ્રસ્ત રહેવાસીઓ માટે ભોજન, પાણી અને બરફના 200 ટ્રક રવાના કરીને વિતરણ વ્યવસ્થા ઊભી કરી હતી.
ફ્લોરિડા ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી અને સ્ટેટ ઇમરજન્સી રીસ્પોન્સ ટીમે રાજ્યમાં બિઝનેસીઝને થયેલા નુકસાન અંગેના આંકડા એકત્ર કરવા માટે બિઝનેસ ડેમેજ એસેસમેન્ટ સર્વેને કામગીરી સોંપી છે.
DEO સેક્રેટરી ડેન ઇગલે જણાવ્યું હતું કે, ‘બિઝનેસ નુકસાનની ચકાસણી સર્વેક્ષણ DEO અને તેના ફેડરલ, રાજ્ય અને સ્થાનિક ભાગીદારોને આ કામગીરીના પ્રયાસોમાં મદદ કરે છે. હું હરિકેન ઇયાનથી અસરગ્રસ્ત વ્યવસાયોને FloridaDisaster.biz પર બિઝનેસ ડેમેજ એસેસમેન્ટ સર્વે માટે માહિતી આપવા પ્રોત્સાહિત કરું છું.’
સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઈયાન ફ્લોરિડા ઉપરથી પસાર થયા પછી અને શુક્રવારે નોર્થ અને સાઉથ કેરોલિનામાં ત્રાટક્યા પછી ફરી વાવાઝોડું મજબૂત બન્યું હતું. નોર્થ કેરોલિનામાં ચાર લોકોના મોત થયા હતા. તે રાજ્યમાં અંદાજે 280,000 લોકો શનિવારે સવારે વીજળી વગર રહ્યા હતા. ઇયાન ઇસ્ટ કોસ્ટ સુધી ગયું હતું પરંતુ રવિવાર સુધીમાં તે વરસાદી તોફાનમાં નબળું પડી ગયું હતું.
બાઈડેનને ટ્વીટ કરી ભારતના વડાપ્રધાન મોદીએ સહાનુભૂતિ વ્યક્ત કરી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હરિકેન ઇયાનના કારણે થયેલા મૃત્યુ અને નુકસાન માટે યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડેનને હૃદયપૂર્વકની સહાનુભૂતિઓ વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર પ્રેસિડેન્ટ જો બાઇડેનને વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકાના લોકો માટે આ મુશ્કેલીના સમયમાં અમારી સહાનુભૂતિ તેમની સાથે છે.