એશિયાનાં ધનિકોમાં ટોચનું સ્થાન ધરાવતા ભારતનાં ઉદ્યોગપતિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિ 100 બિલિયન ડોલરને પાર કરી ગઈ છે. તેમણે વિશ્વનાં બિલિયોનેરની યાદીમાં 11મું સ્થાન મેળવ્યું છે. તેમણે એલન મસ્ક અને જેફ બેઝોસની 100 બિલિયન ડોલરથી વધુ સંપત્તિ ધરાવનાર ધનકુબેરોની ક્લબમાં સ્થાન મેળવ્યું છે.
આ વર્ષે મુકેશ અંબાણીની સંપત્તિમાં 23.8 બિલિયન ડોલરનો વધારો થયો છે. છેલ્લા આંકડા મુજબ તેમની સંપત્તિ વધીને 100.1 બિલિયન ડોલર થઈ છે. બ્લૂમબર્ગ ગ્લોબલ બિલિયોનર્સ ઈન્ડેક્સમાં 222 બિલિયન ડોલરની સંપત્તિ સાથે એલન મસ્ક પહેલા નંબરે છે જ્યારે 191 બિલિયન ડોલરની સંપત્તિ સાથે જેફ બેઝોસ બીજા ક્રમે છે. બ્લૂમબર્ગ દ્વારા વિશ્વનાં ટોચના 500 અબજોપતિઓની યાદી બહાર પાડવામાં આવે છે. વિશ્વનાં ધનકૂબેરોની કંપનીઓનાં શેરની કિંમતમાં માર્કેટમાં થતી વધઘટને આધારે અબજોપતિઓનો ઈન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે.
દેશનાં અગ્રણી ઉદ્યોગપતિ 64 વર્ષનાં મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ધૂરા સંભાળ્યા પછી એનર્જી સેક્ટર તેમજ રિટેલ, ઈ કોમર્સ અને ટેલિકોમ સેક્ટરમાં પદાર્પણ કર્યું હતું. તેમની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ટેલિકોમ ક્ષેત્રે ટોચ પર છે. તેઓ હવે ગ્રીન એનર્જીમાં 3 વર્ષમાં 10 અબજ ડોલરનું રોકાણ કરવાનાં છે.
આ ઈન્ડેક્સમાં અદાણી ગ્રુપનાં ચેરમેન ગૌતમ અદાણી કુલ 73.3 અબજ ડોલરની સંપત્તિ સાથે 14મા ક્રમે છે. ઈન્ડેક્સમાં સ્થાન પામનાર અન્ય ભારતીયોમાં વિપ્રોનાં અઝીમ પ્રેમજી 33મા ક્રમે, શિવ નાદર 43મા અને ડી માર્ટનાં સ્થાપક રાધાકૃષ્ણ દામાણી 69મા ક્રમે છે. અદાણી ગ્રુપનાં ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે 39.5 અબજ ડોલરનો વધારો થયો છે. જ્યારે ટેકનોલોજી ટાઈકૂન અઝીમ પ્રેમજીની સંપત્તિ 12.8 અબજ ડોલર વધી છે.