છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓએ છેલ્લાં બે વર્ષમાં કરેલા સૌથી મોટા હુમલામાં 10 પોલીસ કર્મચારીઓ અને ડ્રાઇવરનું મોત થયું હતું. નક્સલીઓએ સુરક્ષા જવાનોને લઈ જઈ રહેલા કાફલાના એક વાહનને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)થી ઉડાવી દીધું હતું. આ વિસ્ફોટ માટે 40 કિગ્રા વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કર્યો હતો અને વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનાથી રોડ પર 10 ફૂટ ઊંડો એક વિશાળ ખાડો પડી ગયો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ (બસ્તર રેન્જ) સુંદરરાજ પી જણાવ્યું હતું કે અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરે 1 વાગ્યાથી 1:30 વાગ્યાની વચ્ચે રાજ્ય પોલીસના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)ની એક ટીમ નક્સલવાદ વિરોધી ઓપરેશન માટે જઈ રહી હતી ત્યારે આ હુમલો થયો હતો. અરનપુર અને સમેલી ગામો વચ્ચે DRGના 10 જવાનોને લઈ જતું મલ્ટી-યુટિલિટી વ્હીકલ (MUV) ઉડાવી દેવામાં આવ્યું હતું. તમામ 10 જવાનો અને વાહનના ચાલકના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.
દંતેવાડામાં તૈનાત અન્ય એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારના દરભા ડિવિઝનમાં માઓવાદીઓની હાજરીની માહિતી મળતાં મંગળવારે રાત્રે દંતેવાડા જિલ્લા મુખ્યાલયથી આશરે 200 સુરક્ષાકર્મીઓ રવાના થયા હતા. બુધવારે સવારે, અરનપુરથી લગભગ સાત કિમી દૂર નહાડી ગામ નજીક પેટ્રોલિંગ ટીમ અને નક્સલીઓ વચ્ચે ગોળીબાર થયો હતો અને બે નક્લવાદીઓની ધરપકડ કરાઈ હતી. આ પછી સુરક્ષા કર્મચારીઓ વાહનોના કાફલામાં તેમના બેઝ પર પરત આવી રહ્યાં હતા. કાફલાના વાહનો વચ્ચે લગભગ 100-150 મીટરનું અંતર હતું અને નક્સલીઓએ કાફલાના બીજા વાહનને નિશાન બનાવ્યું હતું. વિસ્ફોટ પછી આગળના અને પાછળના વાહનોમાં રહેલા સુરક્ષા કર્મચારીઓએ પોઝિશન લીધી હતી અને જંગલમાં બંને તરફ ગોળીબાર કર્યો હતો.