ગુજરાતમાં પોસપોર્ટ ધરાવતા લોકોની સંખ્યા વધીને ૬૭.૬૧ લાખ થઇ છે. તે કુલ વસતિના 10 ટકા થાય છે. લોકો પાસે પાસપોર્ટ હોય તેવા ટોચના રાજ્યમાં કેરળ મોખરે, મહારાષ્ટ્ર બીજા અને ગુજરાત છઠ્ઠા સ્થાને છે. અમદાવાદમાં પાસપોર્ટ ધરાવતા લોકોની સંખ્યા ૧૬.૧૫ લાખ છે, જ્યારે સૌથી ઓછા ૧૪૫૨ પાસપોર્ટધારકો ડાંગમાં છે. આમ, ગુજરાતના ચોથા ભાગના પાસપોર્ટધારકો માત્ર અમદાવાદમાં છે.
લોકસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર દેશના ૫૦ ટકા પાસપોર્ટ મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાતમાંથી જારી કરવામાં આવ્યા છે. ભારતમાં કુલ ૫૨૧ પાસપોર્ટ સેવા કેન્દ્ર છે. ભારતમાં ૨૦૧૪માં પાસપોર્ટ મળવા માટેનો સમયગાળો ૧૬ દિવસ હતો. છેલ્લા ૩ વર્ષમાં પાસપોર્ટ મેળવવાનો સમયગાળો ઘટીને સરેરાશ ૬ દિવસ થઇ ગયો છે. ભારતે છેલ્લા ૮ વર્ષમાં કુલ ૩.૪૯ કરોડ વિઝા આપ્યા છે. જેમાં ૨.૪૮ કરોડ સામાન્ય વિઝા અને ૧.૧ કરોડ ઈ વિઝાનો સમાવેશ થાય છે. ઈ વિઝા માટે માન્યતા ધરાવતા દેશ ૨૦૧૪ સુધી ૪૩ હતા અને તે હવે વધીને ૧૭૧ થઇ ગયા છે.
ગુજરાતની વસતી આશરે ૭ કરોડ છે. આમ, ૯૧ ટકા ગુજરાતીઓ પાસે પાસપોર્ટ જ નથી. સૌથી વધુ પાસપોર્ટધારકો હોય તેવા જિલ્લામાં સુરત ૧૦.૯૭ લાખ સાથે બીજા, વડોદરા ૬.૮૯ લાખ સાથે ત્રીજા, રાજકોટ ૩.૮૭ લાખ સાથે ચોથા અને મહેસાણા ૨.૭૨ લાખ સાથે પાંચમાં સ્થાને છે.