દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુનાહિત રેકોર્ડ ધરાવતા સૌથી વધુ 45 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપ આવા 27 ઉમેદવારો ઊભા રાખ્યા છે, એમ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના એક રીપોર્ટમાં જણાવાયું છે.
AAPએ 250 ઉમેદવારો ઉભા રાખ્યા છે, જેમાંથી 248 ઉમેદવારોના સોગંદનામાનું ADRએ વિશ્લેષણ કર્યું હતું અને તેમાંથી 18 ટકા એટલે કે 45 ઉમેદવારો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે.વધુમાં AAPના ઓછામાં ઓછા આઠ ટકા ઉમેદવારો સામે ગંભીર ફોજદારી કેસ છે.
ભાજપે 250 ઉમેદવારો પણ ઉભા રાખ્યા છે, તેમાથી ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારની સંખ્યા 27 ઉમેદવારો (11 ટકા) છે અને કોંગ્રેસે આવા 25 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
આપના 45 (18 ટકા), ભાજપના 27 (11 ટકા) અને કોંગ્રેસના 25 (10 ટકા) ઉમેદવારોએ તેમની સામેના ક્રિમિનલ કેસની વિગતો તેમની એફિડેટિવમાં આપી છે. આમાંથી આપના 19 ઉમેદવારો એકલે કે 8 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાહિત કેસો થયેલા છે. ગંભીર ગુનાના કેસ થયા હોય તેવા ભાજપના ઉમેદવારોની સંખ્યા 14 એટલે કે 6 ટકા છે, જ્યારે કોંગ્રેસે 12 એટલે 5 ટકા આવા ઉમેદવારો ઊભા રાખ્યા છે.
આ વર્ષે 4 ડિસેમ્બરે યોજાનારી MCD ચૂંટણીમાં કુલ 1,349 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ADR અને દિલ્હી ઇલેક્શન વોચ દ્વારા 1,349 ઉમેદવારોમાંથી 1,336 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આમાંથી કુલ 138 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસો થયેલા છે, જે કુલ ઉમેદવારના આશરે 10 ટકા થાય છે. 2017ની ચૂંટણીમાં ગુનાહિત રેકોર્ડ સાથેની ઉમેદવારોનું પ્રમાણ સાત ટકા રહ્યું હતું. કુલ ઉમેદવારોમાંથી 76 ઉમેદવારો અથવા 6 ટકા ઉમેદવારો સામે ગંભીર ક્રિમિનલ કેસ થયેલા છે. એક ઉમેદવાર સામે તો હત્યા (આઇપીસી કલમ 302) હેઠળ કેસ દાખલ થયેલો છે. છ ઉમેદવારો સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયેલો છે.