અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બુધવાર, 17 એપ્રિલે નડિયાદ પાસે કાર અને રોડ પર ઊભી રહેલી ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત થયા હતા. વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાર ટેન્કરની પાછળ ઘૂસી જતાં કારમાં સવાર તમામ લોકોનાં મોત થયા હતાં. પોલીસે આ અકસ્માતની તપાસ ચાલુ કરી હતી.
આ અકસ્માતને પગલે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતમાં ઘાયલ એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અહેવાલો મુજબ કાર વડોદરાથી અમદાવાદ પરત આવી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માર્યા ગયેલા 10 લોકોમાંથી 8 લોકો ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યા હતાં, જ્યારે બે લોકોએ હોસ્પિટલમાં લઈ જતી વખતે દમ તોડી દીધો હતો. આ ઘટના બાદ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ સાથે બે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસ કાર નંબર અને ખિસ્સામાંથી મળેલ આધારકાર્ડની વિગતના આધારે છ મૃતકોની ઓળખ કરી રહી હતી. મળતી માહિતી અનુસાર કાર ટેક્સી પાર્સિંગ ન હોવા છતા તેમાં પેસેન્જર બેસાડાયા હતા. તમામ મૃતકો અલગ અલગ શહેરના છે. મૃતકો વડોદરા, અમદાવાદ, વલસાડ, નડિયાદ, મુંબઈ અને રાજસ્થાનના હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતમાં જીવ ગુમાવેલ તમામ મૃતકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. મીડિયા અહેવાલ મુજબ મૃતકોમાં યોગેશ નરેન્દ્રભાઈ પંચાલ (અમદાવાદ), નીલકુમાર મુકેશભાઈ ભોજાણી (વડોદરા), જયશ્રીબેન મનોજભાઈ મિસ્ત્રી (વડોદરા), સોલંકી અમિત મનોજભાઈ (વાપી), . શાહબુદ્દીન અબ્દૂલશકર અંસાર (મુંબઈ), સુરેન્દ્રસિંહ રાવત (રાજસ્થાન – ડ્રાઈવર)નો સમાવેશ થાય છે.